આઇપીએલમાં મુંબઈના 155 રનના સ્કોર બાદ ગુજરાતના 6/147, ડકવર્થ-લૂઇસ સિસ્ટમથી ગુજરાતનો ત્રણ વિકેટે વિજય
મુંબઈ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી અત્યંત રોમાંચક બનેલી મેચમાં અંતે મુંબઈ ઇન્ડિયન્સનો ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમને આધારે ત્રણ વિકેટથી પરાજય થયો હતો.
ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં આઠ વિકેટે 155 રનનો સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 7 વિકેટે147 રન કર્યા હતા.
મેચ જીતવા માટે 156 રનના ટારગેટ સામે રમતી ગુજરાતની ટીમે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સાઈ સુદર્શનની વિકેટ બીજી જ ઓવરમાં ગુમાવી દીધી હતી. કિવિ ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે તેની આદત મુજબ પોતાની પહેલી જ ઓવરમાં ફરી એક વાર વિકેટ ઝડપી હતી.
જોકે કેપ્ટન શુભમન ગિલ અને જોઝ બટલરે ઇનિંગ્સ આગળ ધપાવી હતી. તેમણે સાવચેતીપૂર્વકની બેટિંગ કરી હતી. 12મી ઓવર સુધીમાં બંનેએ ટીમનો સ્કોર 78 ઉપર પહોંચાડ્યો ત્યારે જોઝ બટલર આઉટ થયો હતો. આ તબક્કે વરસાદની આવનજાવન શરૂ થઈ ગઈ હતી અને એક સમયે ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમ મુજબ ગુજરાતની ટીમ પાછળ હતી પરંતુ બટલરની વિકેટ ગુજરાત માટે આશીર્વાદરૂપ બની ગઈ હતી કેમ કે તેના સ્થાને રમવા આવેલા શેરફાન રૂધરફોર્ડે આવતાંની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું હતું. આ તબક્કામાં ગુજરાતને માત્ર નવ બોલમાં 29 રન ફટકારી દેતાં તેઓ ડકવર્થ લૂઇસના આંકથી આગળ નીકળી ગયા હતા. આ દરમિયાન વરસાદને કારણે રમત અટકી ગઈ હતી. લગભગ અડધા કલાક બાદ રમત ફરીથી શરૂ થઈ હતી.
જોકે રમતના પુનરાગમન બાદ તરત જ જસપ્રિત બુમરાહે મુંબઈને સફળતા અપાવતા ગુજરાતના કેપ્ટનને બોલ્ડ કરી દીધો હતો. ગિલે 46 બોલમાં 43 રન ફટકાર્યા હતા. થોડી જ વારમાં બોલ્ટ ત્રાટક્યો હતો. તેણે રૂધરફોર્ડને લેગબિફોર કર્યો હતો. અહીંથી મેચ રોમાંચક બની ગઈ હતી.
અગાઉ મુંબઈ ઇન્ડિયન્સે બેટિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. છેલ્લી કેટલીક મેચોથી ફોર્મમાં આવી ગયેલો રોહિત શર્મા આ મેચમાં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર સાત રન કરી શક્યો હતો જ્યારે તેનો સાથી ઓપનર રાયન રિકેલ્ટન મેચની પહેલી જ ઓવરના બીજા બોલ બે રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો. આમ મુંબઈને જરૂરી પ્રારંભ મળી શક્યો ન હતો.
જોકે વિલ જેક્સ અને સૂર્યકુમાર યાદવે ટીમ માટે આશા પેદા કરી હતી અને ત્રીજી વિકેટ માટે 37 બોલમાં 71 રનની ભાગીદારી નોંધાવી હતી. વર્તમાન સિઝનમાં જ્યારે પણ તક મળી છે ત્યારે ટીમને સફળતા અપાવનારા સ્પિનર આર. સાઇ કિશોરે બોલિંગમાં આવતાં જ સૂર્યકુમાર યાદવને આઉટ કરીને ગુજરાતને ફરીથી મેચમાં લાવી દીધું હતું. સૂર્યકુમાર યાદવે કેટલાક આકર્ષક સ્ટ્રોક ફટકાર્યા હતા પરંતુ ખીચોખીચ ભરાયેલા વાનખેડે સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકોને અપેક્ષા હતી તે પૂરી કરવામાં યાદવ નિષ્ફળ રહ્યો હતો. તે એકેય સિક્સર ફટકારી શક્યો ન હતો તો અડધી સદી સુધી પણ પહોંચી શક્યો ન હતો. યાદવે 24 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 35 રન ફટકાર્યા હતા.
અત્યાર સુધી એક છેડે મજબૂત બેટિંગ કરી રહેલા વિલ જેકસ પર હવે ટીમની જવાબદારી આવી પડી હતી પરંતુ 12મી ઓવરમાં તે પણ આઉટ થઈ ગયો હતો. 29 બોલમાં ત્રણ સિક્સર સાથે અડધી સદી પૂરી કરનારા વિલ જેક્સને અંતે ગુજરાતના સર્વશ્રેષ્ઠ સ્પિનર રાશીદ ખાને આઉટ કર્યો ત્યારે તેનો સ્કોર 53 હતો અને ટીમનો સ્કોર 103 હતો.
મુંબઈ ઇન્ડિયન્સનો આ તબક્કે ફરીથી ધબડકો થયો હતો. વિલ જેક્સ આઉટ થયો ત્યાર બાદ 20 રન અને પાંચ ઓવરના ગાળામાં મુંબઈએ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તિલક વર્મા સાત, કેપ્ટન હાર્દિક પંડ્યા એક અને નમન ધીર સાત રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયા હતા. વર્તમાન સિઝનમાં મોટા ભાગે નજરઅંદાજ કરાયેલા સ્પિનર આર. સાઇ કિશોરે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ લીધી હતી. તેના સિવાય ગુજરાત ટાઇટન્સે અન્ય પાંચ બોલર અજમાવ્યા હતા અને તે તમામને કમસે કમ એક એક વિકેટ મળી હતી.
IPL 2025 પોઇન્ટ ટેબલ
ટીમ મેચ જીત હાર અનિર્ણીત પોઇન્ટ NRR
GT 11 8 3 0 16 +0.867RCB 11 8 3 0 16 +0.482
PBKS 11 7 3 1 15 +0.376
MI 12 7 5 0 14 +1.274
DC 11 6 4 1 13 +0.362
KKR 11 5 5 1 11 +0.249
LSG 11 5 6 0 10 -0.469
SRH 11 3 7 1 7 -1.192
RR 12 3 9 0 6 -0.718
CSK 11 2 9 0 4 -1.117