ગર્લ્સ અંડર-19માં ભારતની ચોથા ક્રમની ઓઇશિકી જોઆરદર (પ. બંગાળ) અને વિમેન્સમાં ભારતની 19 ક્રમની રાધાપ્રિયા ગોએલ ઉત્તર પ્રદેશ) આ સિઝનથી ગુજરાતમાં રમશે
ગાંધીધામઃ ગુજરાત ટેબલ ટેનિસની 2023-24ની સિઝનનો મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે જ્યારે અહીં પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા સ્પોરન્સર છે અને તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)ના સહયોગથી યોજવામાં આવી છે. રાજકોટમાં મ્યુનિસિપલ ઇન્ડોર હોલ ખાતે 30મી મેથી બીજી જૂન દરમિયાન ટુર્નામેન્ટ યોજાશે.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 637 ખેલાડીએ પ્રવેશ લીધેલો છે.
આ નવી સિઝન સાથે ગુજરાતના ખેલાડીઓની યાદીમાં બે નવા ભારતીય ક્રમાંકિત ખેલાડીઓનો ઉમેરો થયો છે.
પશ્ચિમ બંગાળની ઓઇશિકી જોઆરદર હાલમાં ભારતમાં ચોથો ક્રમાંક ધરાવે છે અને તે અંડર-19 ગર્લ્સ કેટેગરીમાં રમવાની છે. તે રાજકોટ ખાતેની આ ટુર્નામેન્ટ સાથે ગુજરાત માટે રાવાનો પ્રારંભ કરશે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશની રાધાપ્રિયા ગોએલ છે જે વિમેન્સ ક્રમાંકમાં હાલમાં 19માં સ્થાને છે જે આ ટુર્નામેન્ટમાં રોમાંચ લાવશે કેમ કે તે પણ 30મી મેથી રાજકોટથી ગુજરાત માટે પોતાની કારકિર્દીનો પ્રારંભ કરશે.
આ બંને ખેલાડીએ વિમેન્સ કેટેગરીમાં સ્પર્ધાનું તત્વ ઉમેર્યું છે અને હવે જોવાનું એ રહે છે કે તેઓ ગુજરાતની મોખરાની ખેલાડી ફ્રેનાઝ છિપીયાનો કેવી રીતે સામનો કરે છે.
મેન્સ વિભાગમાં મોખરાના ક્રમનો ચિત્રાક્ષ ભટ્ટ આકર્ષણ રહેશે જ્યારે જુનિયર બોયઝ અંડર-19માં તમામની નજર મોખરાના ક્રમના બુરહાનુદ્દીન માલુભાઈ પર રહેશે.
ગર્લ્સ અંડર-17માં ભાનનગરની રિયા જયસ્વાલને મોખરાનો ક્રમાંક અપાયો છે જ્યારે અંડર-15 ગર્લ્સમાં અમદાવાદની મૌબિની ચેટરજી આકર્ષણનું કેન્દ્ર રહેશે.
“છેલ્લે રાજકોટમાં સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં યોજાઈ હતી. આ વખતે 600થી વધારે પ્રવેશ મેળવવા બદલ અમે ખુશ છીએ.” તેમ આયોજન સેક્રેટરી હિરેન મહેતાએ જણાવ્યું હતું.