ટાર્ગેટ પર અયોધ્યાનું રામ મંદિર, મુંબઈનું છાબડા હાઉસ અને દેશના અનેક મોટા નેતાઓ હોવાનો ખુલાસો
નવી દિલ્હી
પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું તે ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચી રહ્યું છે. તાજેતરના મામલે ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઈરાદા સામે આવ્યા છે. ગઈ કાલે દિલ્હી પોલીસે આઈએસઆઈએસ મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. તેમાંથી આતંકવાદી શાહનવાઝે અનેક ખુલાસા કર્યા છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ શેલના સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતના અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ ફરતુલ્લા ગૌરીના સંપર્કમાં આ ત્રણેય આતંકવાદીઓના હોવાથી એવાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, આ પુરું ષડયંત્ર પાકિસ્તાન અને આઈએસઆઈ જ રચી રહ્યું હતું. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ ઓનલાઈન અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા યુવાનોને રેડિકલાઈઝ કરે છે અને પછી તેમને આતંકવાદી હુમલા માટે તૈયાર કરે છે.
આઈએસઆઈના ષડયંત્ર હેઠળ આ યુવાનોને આઈએસઆઈએસના આમિરની શપથ લેવડાવવામાં આવે છે જેથી આતંકવાદી હુમલા બાદ જો ભારતીય એજન્સી તેમની ધરપકડ કરે તો પણ પાકિસ્તાન અને આઈએસઆઈના નામ સામે ન આવે. દિલ્હી પોલીસે સૌથી પહેલા આઈએસઆઈએસના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંના એક શાહનવાઝની ધરપકડ કરી હતી જે ફરાર હતો ત્યારબાદ અન્ય બે આતંકીઓની પણ ધરપકડ કરી લીધી હતી.
શાહનવાઝ પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં રહેતો હતો. તેના પર 3 લાખ રૂપિયાનું ઈનામ હતું. શાહનવાઝ પર આઈએસઆઈએસ મોડ્યુલ સાથે સંબંધ રાખવાનો આરોપ છે. પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે તે ગુજરાતના અક્ષરધામ મંદિર પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ ફરતુલ્લા ગૌરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલના સંપર્કમાં હતો જે હવે પાકિસ્તાનમાં આઈએસઆઈના આશ્રયમાં રહે છે. આ ત્રણેય તેના આદેશ પર જ દિલ્હીમાં પણ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા.
આતંકવાદીઓએ ખુલાસો કરતા જણાવ્યું કે, દેશના અનેક પ્રખ્યાત સ્થળો તેમના ટાર્ગેટ પર હતા. આ દરમિયાન તેમનો ટાર્ગેટ પર અયોધ્યાનું રામ મંદિર, મુંબઈનું છાબડા હાઉસ અને દેશના અનેક મોટા નેતાઓ હતા. આ આતંકવાદીઓ પોતાનો પ્લાન પૂરો કરે એ પહેલા જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે.