મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફ નાંદેડની સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે
નાંદેડ
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો હતો ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વધુ સાત દર્દીઓના મોતથી 36 કલાકમાં હોસ્પિટલમાં મૃતકોની સંખ્યા 24થી વધીને 31 થઈ ગઈ છે. સુત્રોના અહેવાલ અનુસાર આજે મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફ નાંદેડની સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા પોસ્ટ શેર કરી હતી કે, ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારોને વળતર આપવામાં આવે.
શરદ પવારે પોસ્ટ શેર કરતા લખ્યું કે, નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોનાં મોત થયાં હતા. આ ઘટનામાં 12 નવજાત બાળકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ એક ચોંકાવનારી ઘટના છે. આવી જ કમનસીબ ઘટના થાણેની કાલવા હોસ્પિટલમાં બની હતી અને તે ઘટનાને ગંભીરતાથી ન લેવાને કારણે ફરી આ પ્રકારની ઘટના નાંદેડમાં થઇ જેમાં 24 લોકોના મોત થયા છે. આ સરકારની નિષ્ફળતા દેખાડે છે. શરદ પવારે સરકારે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, શક્ય તેટલું જલ્દીથી કડક પગલાં લેવામાં આવે.