સૈક્ષણિક રેન્કિંગમાં આઈઆઈટી મદ્રાસ, મેનેજમેન્ટ કોલેજમાં આઈઆઈએમ અમદાવાદ ટોચના ક્રમે

Spread the love

આઈઆઈટી મદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં સતત પાંચમા વર્ષે પ્રથમ રેન્ક મેળવ્યો બેંગ્લુરુમાં આવેલી આઈઆઈએસસી બીજા સ્થાને, યુનિવર્સિટી કેટેગરીમાં આઈઆઈએસસી બેંગ્લુરુ પ્રથમ ક્રમે રહી

નવી દિલ્હી
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ 2023 માટે પણ દેશભરની સંસ્થાઓનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આજે એટલે કે 5 જૂન, 2023 ના રોજ બહાર પાડવામાં આવેલ એનઆઈઆરએફ રેન્કિંગ 2023 અનુસાર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) મદ્રાસ દેશની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાન બની છે. આઈઆઈટી મદ્રાસે ઓવરઓલ કેટેગરીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે, જે તેણે સતત પાંચમા વર્ષે જાળવી રાખ્યો હતો. ત્યારબાદ બેંગ્લુરુમાં આવેલી ભારતીય વિજ્ઞાન સંસ્થા (આઈઆઈએસસી) બીજા સ્થાને છે. બીજી તરફ, યુનિવર્સિટી કેટેગરીમાં આઆઈએસસી બેંગ્લુરુ પ્રથમ ક્રમે રહી છે.
આઈઆઈટી મદ્રાસે ફરી એકવાર શિક્ષણ મંત્રાલયના એનઆઈઆરએફ રેન્કિંગ 2023ની એન્જિનિયરિંગ શ્રેણીમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. આઈઆઈટી મદ્રાસનો ક્રમ સતત આઠમા વર્ષે જળવાઈ રહ્યો છે. તેના પછી આઈઆઈટી દિલ્હી બીજા સ્થાને અને આઈઆઈટી બોમ્બે ત્રીજા સ્થાને રહી છે. તેવી જ રીતે ભારતની ટોચની કોલેજોની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટીનું મિરાન્ડા હાઉસ આ કેટેગરીમાં દેશમાં સર્વશ્રેષ્ઠ કોલેજ છે. તેના પછી DUની હિન્દુ કોલેજ બીજા સ્થાને છે, જ્યારે બેંગ્લુરુની પ્રેસિડેન્સી કોલેજ ત્રીજા સ્થાને રહી છે.
સોમવારે જાહેર કરાયેલ એનઆઈઆરએફ રેન્કિંગ 2023 અનુસાર ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લુરુએ સંશોધન માટે શ્રેષ્ઠ સંસ્થાઓની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જો કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) કાનપુર ઈનોવેશન કેટેગરીમાં દેશમાં પ્રથમ ક્રમે રહી છે. દેશની ટોચની મેનેજમેન્ટ કોલેજોની વાત કરીએ તો, એનઆઈઆરએફ રેન્કિંગ 2023 અનુસાર, ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઈઆઈએમ અમદાવાદ) પ્રથમ સ્થાને છે. તે પછી બીજા સ્થાને આઈઆઈએમ બેંગ્લુરુ જ્યારે ત્રીજા સ્થાને આઈઆઈએમ કોઝિકોડ છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એનઆઈપીઈઆર), હૈદરાબાદ એ એનઆઈઆરએફ રેન્કિંગ 2023ની ફાર્મસી કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેના પછી દિલ્હી સ્થિત જામિયા હમદર્દ બીજા સ્થાને અને BITS પિલાની ત્રીજા સ્થાને રહી છે. લૉની કેટેગરી વિશે વાત કરીએ તો નેશનલ લો યુનિવર્સિટી (એનએલયુ) બેંગ્લોરને એનઆઈઆરએફ રેન્કિંગ 2023 માં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેના પછી એનએલયુ દિલ્હી અને યુનિવર્સિટી ઓફ લો હૈદરાબાદ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *