11 વર્ષના નિર્દોષ બાળકનું મોત, પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી
કોલકાતા
પશ્ચિમ બંગાળમાં બોંબ બ્લાસ્ટની ઘટના બાદ અફરાતફરી મચી હોવાની ઘટના સામે આવી છે. અહીં એક જાહેર શૌચાલયમાં જોરદાર ધડાકો થતાં ચારેકોર નાસભાગ મચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં આજે એક જાહેર શૌચાલયમાં ખતરનાક બોંબ વિસ્ફોટ થયો, જેમાં 11 વર્ષના નિર્દોષ બાળકનું મોત થયું છે.
મીડિયા અહેવાલો મુજબ બોંબ વિસ્ફોટની ઘટના બાદ પોલીસ તંત્ર તુરંત ઘટના સ્થળે પહોંચી ગયું છે. આ મામલે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સુભાસપલ્લી વિસ્તારમાં રહેતો સગીર બનગાંવ વિસ્તારમાં રેલવે ગેટ-1ની પાસે જાહેર શૌચાલયમાં ગયો હતો, ત્યારે વિસ્ફોટ થતા સગીર ઈજાગ્રસ્ત થયો છે. સગીરના તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે.
એક સમાચાર એજન્સીએ અધિકારીને ટાંકીને કહ્યું કે, એવુ લાગે છે કે બક્સીપલ્લી વિસ્તારમાં આવેલ એક જાહેર શૌચાલયમાં બોંબ રખાયો હતો, જે વિસ્ફોટ થયો છે. આ ઘટનાને લઈ સ્થાનિક રહેવાસીઓએ દુઃખ વ્યક્ત કર્યું અને કથિત રીતે જાહેર શૌચાલયમાં બોંબ રાખનારની ધરપકડ કરવાની માંગ કરી છે. દરમિયાન આ ઘટનાને લઈ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.