ઇઝરાયેલની વાયુસેનાનો દાવો છે કે આ યુનિવર્સિટી હમાસના એન્જિનિયરોને તાલીમ આપવા માટેનો મુખ્ય આધાર હતો
જેરૂસલેમ
ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. હમાસ તરફથી અચાનક થયેલા હુમલાના જવાબમાં ઈઝરાયલ તરફથી પણ સતત એરસ્ટ્રાઈક અને હુમલા કરવામાં આવી રહ્યા છે. એવામાં માહિતી મળી રહી છે કે, ઇઝરાયેલની વાયુસેનાએ ગાઝામાં એક ઇસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બ વરસાવ્યા છે. ઇઝરાયેલની વાયુસેનાનો દાવો છે કે આ યુનિવર્સિટી હમાસના એન્જિનિયરોને તાલીમ આપવા માટેનો મુખ્ય આધાર હતો.
ઇઝરાયેલની વાયુસેનાએ દાવો કર્યો છે કે, હમાસના એન્જિનિયરોને આ યુનિવર્સિટીમાં તાલીમ આપવામાં આવી રહી હતી. આ અંગેની પુષ્ટિ કરતા સેનાએ જાણકારી આપી કે એક ફાઇટર જેટે હાલમાં જ યુનિવર્સિટી કેમ્પસ પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલ દાવો કરે છે કે આ યુનિવર્સિટી ગાઝા માટે રાજકીય અને લશ્કરી એકમ તરીકે કામ કરી રહી હતી. ટ્રેનિંગ લીધા બાદ એન્જિનિયર હમાસ માટે હથિયાર બનાવતા હતા.
ઈઝરાયેલની સેનાએ તેના ટ્વિટર પર આ બોમ્બારીનો વિડીયો પણ જાહેર કર્યો હતો. જેમાં તેને લખ્યું કે, હમાસે શિક્ષણના કેન્દ્રને વિનાશના કેન્દ્રમાં બદલી નાખ્યું છે. થોડા સમય પહેલા અમારી સેનાએ હમાસના એક મહત્વપૂર્ણ ભાગને નિશાન બનાવ્યો હતો. જે તેમનું રાજકીય અને લશ્કરી કેન્દ્ર બન્યું. હમાસે આ યુનિવર્સિટીમાં ટ્રેનિંગ કેમ્પ બનાવ્યો હતો અને અહીં હથિયારો બનાવવામાં આવી રહ્યા હતા અને અહીંના લોકોને મિલિટરી ઈન્ટેલિજન્સ શીખવવામાં આવી રહી હતી.