હ્યુમન રાઈટસ કાઉન્સિલના નોર્થ યુરોપિયન દેશોનુ પ્રતિનિધિત્વ કરતી બે બેઠકો માટે રશિયાની સામે આલ્બેનિયા અને બલ્ગેરિયા મેદાનમાં હતા
ન્યૂયોર્ક
સંયુક્ત રાષ્ટ્રની હ્યુમન રાઈટસ કાઉન્સિલમાં રશિયાને સ્થાન મળ્યુ નથી.યુક્રેન સાથે રશિયાએ શરુ કરેલા યુધ્ધ બાદ યુએનની જનરલ એસેમ્બલીમાં આ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મંગળવારે હ્યુમન રાઈટસ કાઉન્સિલના નોર્થ યુરોપિયન દેશોનુ પ્રતિનિધિત્વ કરતી બે બેઠકો માટે રશિયાની સામે આલ્બેનિયા અને બલ્ગેરિયા મેદાનમાં હતા.ગુપ્ત રીતે થયેલા મતદાનમાં બલ્ગેરિયાને 160, અલ્બેનિયાને 123 અને રશિયાને 83 મત મળ્યા હતા.
રશિયાએ દાવો કર્યો છે કે, બહુમતી અમારી સાથે છે અને 83 મત અમને યુએનના 193 સભ્ય દેશોમાંથી અડધો અડધ વસતીનુ પ્રતિનિધિત્વ કરતા દેશો પાસેથી મળ્યા છે.બીજી તરફ યુએનના અધિકારી રિચર્ડ બોવાને કહ્યુ હતુ કે, મારુ માનવુ છે કે, યુએનના સભ્ય દેશોમાંથી ખાસા એવા દેશોનુ સમર્થન રશિયાને મળ્યુ છે અને આ જોઈને રશિયા ખુશ હશે.પશ્ચિમી દેશોની સતત ટીકાઓ પછી પણ યુએનમાં રશિયાનો સંપૂર્ણપણે બહિષ્કાર થયો નથી.
બોવાને કહ્યુ હતુ કે, અમેરિકા અને યુક્રેનના સાથી દેશો જોકે હ્યુમન રાઈટ્સ કાઉન્સિલની બંને બેઠકો પર અલ્બેનિયા અને બલ્ગેરિયાનો વિજય થાય તેવા પ્રયાસોમાં સફળ રહ્યા છે.યુક્રેન પાસે યુએનમાં ખાસુ એવુ સમર્થન છે તેવુ સાબિત થઈ રહ્યુ છે.
હ્યુમન રાઈટ્સ કાઉન્સિલની ચૂંટણીમાં ઈન્ડોનેશિયા 186 મત સાથે પ્રથમ, 183 મત સાથે કુવૈત બીજા સ્થાન તથા 175 મત સાથે જાપાન ત્રીજા સ્થાને રહ્યુ હતુ.ચીન 154 વોટ સાથે સૌથી છેલ્લા સ્થાને રહ્યુ હતુ.હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ માટે 15 દેશો ચૂંટાયા છે અને આ દેશોના પ્રતિનિધિઓ એક જાન્યુઆરીથી કાઉન્સિલમાં સામેલ થશે.