સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ જ તેની ફોર્મ્યુલા છે, લોકોએ હવે તેમને સમર્થન આપવાનું બંધ કરી દીધું છે જે ભાજપ સાથે ગઠબંધન કરવા માગે છે
મુંબઈ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે કહ્યું હતું કે ભાજપની રાજકીય શક્તિ દેશના ઘણા ભાગોમાં ઘટી રહી છે અને “સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ” જ તેનો ફોર્મ્યુલા છે. અહીં એનસીપીના હોદ્દેદારોની બેઠકને સંબોધતા પવારે એમ પણ કહ્યું હતું કે લોકોએ હવે તેમને સમર્થન આપવાનું બંધ કરી દીધું છે જે ભાજપ સાથે ગઠબંધન કરવા માગે છે.
તેમણે કહ્યું, આ દેશની જનતા એવા લોકોની સાથે નથી જેઓ ભાજપ સાથે ગઠબંધન કરવા ઈચ્છે છે. આવા દૃશ્યો તમને ઓલ ઈન્ડિયામાં જોવા મળી જશે. તમે દેશનો નકશો કાઢો અને જુઓ, દક્ષિણ ભારતના એક પણ રાજ્યમાં ભાજપ સત્તામાં નથી.
પવારના ભત્રીજા અને વરિષ્ઠ એનસીપી નેતા અજિત પવાર આ વર્ષે જુલાઈમાં મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ સરકારમાં આઠ ધારાસભ્યો સાથે જોડાઈ ગયા હતા. અજિત દાવો કરે છે કે તેમની પાસે એનસીપીના મોટાભાગના ધારાસભ્યોનું સમર્થન છે અને તેમણે પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હ પર પણ દાવો કર્યો છે. બીજી બાજુ શરદ પવારે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી અવિભાજિત શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શરદ પવારે કહ્યું કે ભાજપ શિવસેનામાં ભાગલા પાડીને રાજ્યમાં સત્તા પર આવી છે.
તેમણે દાવો કર્યો હતો કે ગોવા તેમજ મધ્યપ્રદેશમાં સમાન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી હતી. કોંગ્રેસ માર્ચ 2020 સુધી મધ્યપ્રદેશમાં સત્તામાં હતી અને પછી તેની સરકાર પડી. પવારે કહ્યું કે ભાજપ માત્ર ગુજરાતમાં જ સત્તામાં છે જેને જાળવી રાખવામાં સફળ રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભાજપ શાસક પક્ષ નથી. ઉત્તર પ્રદેશ અને કેટલાક અન્ય રાજ્યોને બાદ કરતાં દેશના અન્ય તમામ ભાગોમાં ભાજપની રાજકીય તાકાત ઘટી રહી છે. પવારે એમ પણ કહ્યું કે ચૂંટણી પછી રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે. તેમણે કહ્યું કે, સત્તાના દુરુપયોગને કારણે ભાજપ સત્તા ગુમાવી રહ્યો છે.