માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી પોલિટ બ્યુરોએ એક નિવેદન જારી કરીને જાહેરાત કરી
નવી દિલ્હી
રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે ભાજપ ભારે ઉત્સાહમાં છે તો વિપક્ષી દળો આ મામલે તેના પર રાજકીય ખાટવાનો આરોપ મૂકી રહ્યા છે. દરમિયાન એવા અનેક વિપક્ષી નેતાઓ છે જેઓ આ સમારોહથી દૂર રહી શકે છે. જેમાં વધુ એક વિપક્ષી દિગ્ગજનું નામ ઉમેરાઈ ગયું છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સંભવતઃ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી નહીં આપે. મુખ્યમંત્રીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત તો કરી નથી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે એક નિવેદનમાં માત્ર મુખ્યમંત્રી જ નહીં પરંતુ પાર્ટીના કોઈપણ નેતા મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે તેવી સંભાવનાઓને નકારી કાઢી હતી.
જ્યારે કુણાલ ઘોષને પૂછવામાં આવ્યું કે શું મુખ્યમંત્રી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા કાર્યક્રમમાં જશે? ત્યારે તેમણે કહ્યું કે મંદિરના ઉદ્ઘાટનમાં તેમની ભાગીદારીનો સવાલ જ ઊભો થતો નથી. અગાઉ મંગળવારે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી પોલિટ બ્યુરોએ એક નિવેદન જારી કરીને જાહેરાત કરી હતી કે પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી નહીં આપે.
ગયા અઠવાડિયે કોંગ્રેસ પાર્ટીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપવા બદલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો આભાર માન્યો હતો. જો કે, કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે કે પછી સોનિયા ગાંધીના આ સમારોહમાં હાજર રહેશે કે નહીં તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
જ્યારે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું છે કે જો તેમને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળશે તો તેઓ ચોક્કસ જશે. આ સિવાય કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રાજદ સુપ્રીમો લાલુ યાદવ અને નીતીશ કુમાર પણ આ સમારોહથી અંતર જાળવી શકે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આમંત્રણ ન મળવા પર પાર્ટી તરફથી નારાજગી વ્યક્ત કરી છે. જોકે શરદ પવારને હજુ સુધી આમંત્રણ પહોંચ્યું નથી.