સિમ કાર્ડ સ્વેપ કરીને વેપારીના ખાતામાંથી 90 લાખ સેરવી લીધા

Spread the love

20 વર્ષના એક ભેજાબાજની મુંબઈ પોલીસે ધરપકડ કરી


મુંબઈ
લોકો પોતાના રૂપિયા સલામત રહે તે માટે તેને બેંકમાં રાખતા હોય છે, પરંતુ બેંકના અકાઉન્ટમાં પડેલા રૂપિયા પણ હવે ભેજાબાજ ઠગો જાતભાતની તરકીબો અજમાવીને ખાતેદારને ગંધ સુદ્ધા ના આવે તે રીતે ઉડાવી લેતા હોય છે. આવી જ એક ઘટનામાં સિમ કાર્ડ સ્વેપ કરીને બેંકના ખાતામાંથી ૯૦ લાખ રૂપિયા સેરવી લેનારા ૨૦ વર્ષના એક ભેજાબાજની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બેઠા-બેઠા આ લબરમુછિયાએ મુંબઈમાં કાંડ કરીને ૯૦ લાખ રૂપિયા ઉડાવી લીધા હતા. જોકે, આ રૂપિયા જે બેંક અકાઉન્ટ્સમાં જમા થયા હતા તેને ટ્રેસ કરીને પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.
મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ યુનિટે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી મુકુલ સિંહ નામના ૨૦ વર્ષના એક છોકરાની ધરપકડ કરી છે, જેના પર સિમ કાર્ડ સ્વેપિંગથી ૯૦ લાખ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. મુંબઈના પેડર રોડ પર રહેતા એક સિનિયર સિટીઝને પોતાના અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જતાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો જે મોબાઈલ નંબર તેમના બેંક અકાઉન્ટ સાથે લિંક હતો તે જ નંબરનું સિમ કાર્ડ સ્વાઈપ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર, વિક્ટિમની ઓફિસમાં આઠ લોકો કામ કરતા હતા અને તેમના અકાઉન્ટ્સના તમામ રેકોર્ડ્સ સિનિયર અકાઉન્ટન્ટ દ્વારા રાખવામાં આવતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૩માં ફરિયાદીના ખાતામાંથી એક રૂપિયો ડેબિટ થતાં તેમણે આ અંગે પોતાના સ્ટાફને તપાસ કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેમને જાણ થઈ હતી કે તેમના અકાઉન્ટમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા ૯૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, અને આ ટ્રાન્ઝેક્શન્સ તેમણે કર્યા જ નહોતા. ફરિયાદીના અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જતાં તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં સિમ કાર્ડ સ્વેપિંગ દ્વારા આ કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીના નંબરનું બીજું સિમ કાર્ડ કઢાવીને આરોપીએ તેના પર આવતા ઓટીપી દ્વારા ટૂકડે-ટૂકડે ૯૦ લાખ રૂપિયા ઉડાવી લીધા હતા. તો બીજી તરફ જ્યારે આ કાંડ કરવામાં આવ્યો ત્યારે પોતાનું સિમ કાર્ડ બંધ હોવાથી ફરિયાદીને આ અંગે જાણ નહોતી થઈ શકી.
આરોપી મુકુલે કઈ રીતે ફરિયાદનું સિમ કાર્ડ સ્વેપ કર્યું, અને તેમના અકાઉન્ટમાં મોટી રકમ રહેલી છે તેની વિગતો તેની પાસે કઈ રીતે આવી તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. મુકુલે પાંચ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા ૯૦ લાખ રૂપિયા ફરિયાદીના અકાઉન્ટમાંથી ચોરી લીધા હતા. પોલીસને આશંકા છે કે આ કાંડમાં મુકુલ સાથે બીજા પણ કેટલાક લોકો સંડોવાયેલા છે, અને તેમને શોધવાની હાલ કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં ફરિયાદી સ્ટોક માર્કેટ અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમનો ફોન કેટલા સમય સુધી બંધ રહ્યો હતો તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. એટલું જ નહીં, તેઓ ઈ-સિમ યુઝ કરતા હતા કે કેમ તેમજ તેમના નંબરનું બીજું સિમ કાર્ડ મુકુલે કઈ રીતે મેળવ્યું તેની પણ તપાસ ચાલુ છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *