ગોધરાકાંડ પછી તોફાનોમાં બિલ્કિસ બાનો પર દુષ્કર્મ કેસમાં 11 લોકોને દોષિત ઠરાવાયા બાદ રાજ્ય સરકારે સજામાં રાહત આપી હતી, હવે જેલમાં જવું પડશે
નવી દિલ્હી
ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોને સજામાં અપાયેલી રાહત રદ કરી છે. દોષિતોને ઉમરકેદની સજા થઈ હતી પરંતુ સજા પૂરી થાય તે પહેલાં જ ગુજરાત સરકારે તેમને મુક્ત કરી દીધા હતા. તેની સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન થઈ હતી. આજે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બિલ્કિસ બાનો પર બળાત્કારના કેસમાં દોષિતોને છોડી મૂકવામાં આવ્યા તે અયોગ્ય છે. તમામ 11 આરોપીઓ ફરી જેલમાં જશે.
વર્ષ 2002માં ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા તોફાનોમાં બિલ્કિસ બાનો પર કેટલાક લોકોએ દુષ્કર્મ કર્યો હતો જેનો કેસ ચાલી જતા 11 લોકોને દોષિત ઠરાવાયા હતા અને જેલની સજા કરવામાં આવી હતી. પરંતુ ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ જ રાજ્ય સરકારે 11 દોષિતોની સજા માફ કરીને તેમને જેલમાંથી મુક્ત કર્યા હતા.
ગુજરાત સરકારના આ નિર્ણયનો વિરોધ થયો હતો. કારણ કે એક તરફ સરકાર મહિલાઓ વિરુદ્ધના ગુનામાં સખત કાર્યવાહી કરવાની વાતો કરતી હતી અને બીજી તરફ જેમની સામે રેપનો ગુનો સાબિત થઈ ગયો હતો તેવા દોષિતોને જેલમાંથી મુક્ત કર્યા હતા. એટલું જ નહીં 11 દોષિતો જેલમાંથી બહાર આવ્યા પછી તેમનું સન્માન પણ થયું હતું અને કેટલાક લોકો રાજકીય સભાઓમાં મંચ પર પણ જોવા મળ્યા હતા.
બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા વિશે સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર આજે સૌની નજર હતી. તેમાં સુપ્રીમે કહ્યું કે દોષિતોને સજામાફી આપવા વિરુદ્ધ બિલ્કિસ બાનોની અરજી સ્વીકાર્ય છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવા અંગે ગુજરાત સરકારનો નિર્ણય ફગાવી દીધો હતો જેના કારણે તમામ 11 દોષિતોએ હવે ફરીથી જેલમાં જવું પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં દોષિતોને મહારાષ્ટ્રની કોર્ટમાં સજા થઈ હતી. તેથી તેમની સજા માફ કરવાનો અધિકાર ગુજરાત સરકાર પાસે નથી. આ કેસમાં એક દોષિતે હકીકતો છુપાવી હતી અને સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી હતી જેના કારણે સુપ્રીમ કોર્ટે 2022માં સજામાફીની અરજી વિશે વિચારવા ગુજરાત સરકારને જણાવ્યું હતું.
કોર્ટે કહ્યું કે બિલ્કિસ કેસમાં દોષિતોને મુક્ત કરવાનો ઓર્ડર આપવા માટે ગુજરાત સરકાર સક્ષમ ન હતી. દોષિતોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યાર પછી સીપીએમના નેતા શુભાષિની અલી, સ્વતંત્ર પત્રકાર રેવતી લાઉ અને લખનૌ યુનિ.ના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર રુપ રેખા વર્મા વગેરેએ તેની સામે સુપ્રીમમાં અરજી કરી હતી.