જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા સુધી લાગેલી આગ પર કાબુ મેળવવા સેના પ્રયાસ કરી રહ્યું છે, બોર્ડર પર પણ હાઈએલર્ટ જારી
નવી દિલ્હી
પાકિસ્તાને જંગલમાં આગ લગાવતા છેક જમ્મુ-કાશ્મીર સુધી ખળભળાટ મચ્યો છે. પડોશી દુશ્મને સરહદ નજીક જંગલમાં આગ લગાવતા ત્યાં બિછાવેલી લેન્ડમાઈનમાં ધડાધડ બ્લાસ્ટ થઈ રહ્યા છે, જેનો અવાજ છેક જમ્મુ-કાશ્મીર સુધી સંભળાઈ રહ્યો છે. પાકિસ્તાન ઘણા દિવસોથી આવી નાપાક હરકતો કરી રહ્યું છે. તેણે જંગલમાં લગાવેલી આગ છેક એક કિલોમીટર દૂર એલઓસી સુધી પહોંચી ગઈ છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (એલઓસી) સુધી લાગેલી આગ પર કાબુ મેળવવા સેના પ્રયાસ કરી રહ્યું છે. ઉપરાંત બોર્ડર પર પણ હાઈએલર્ટ જારી કરાયું છે.
લશ્કરી સૂત્રોના જણાવ્યા મુજબ આગની ઝપેટમાં એલઓસીની આસપાસનો લગભગ એક કિલોમીટર સુધીનો વિસ્તાર આવી ગયો છે. ઉપરાંત જંગલના વન્યજીવો અને વન સંપત્તિને પણ ઘણું નુકસાન થયું છે. હાલ આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનની સરહદ પાસે જંગલમાં લાગેલી આગ છેક ભારતીય સરહદ સુધી ફેલાતા ભારતીય સેના એલર્ટ પર છે. એવી આશંકા વ્યક્ત કરાઈ છે કે, દુશ્મન દેશ પાકિસ્તાન કોઈ યોજના બનાવી રહ્યું છે? પાકિસ્તાન આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા પણ ષડયંત્ર ઘડી રહ્યો હોવાની આશંકા છે. સુરંગોમાં બ્લાસ્ટ થયા બાદ તે ખાલી થઈ જશે અને આવવા-જવાનો પણ રસ્તો સાફ થઈ જશે. આવી સ્થિતિમાં આતંકીઓ સુરંગોના રસ્તે ભારતમાં ઘૂસી શકે છે. મેંઢર વિસ્તાર પાસેની એલઓસી પર આગ પહોંચી ગઈ છે. પૂંછ જિલ્લાની સુરનકોટ તાલુકાના મુગલ રોડ પરના વાઈલ્ડ લાઈફ વિભાગના પનાડ સ્થિત કમ્પાર્ટમેન્ટ સુધી પણ આગ પહોંચી ગઈ છે. ઉપરાંત સેના દ્વારા તપાસ અભિયાન પણ શરૂ કરી દેવાયું છે. એલઓસી પર પણ દેખરેખ વધારી દેવાઈ છે.