લોકો તસવીરને લાઈક અને કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે
નવી દિલ્હી
આ દિવસોમાં પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો વાયરલ થવાનું કારણ તેમની સાદગી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે.
પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુનો આ ફોટો હૈદરાબાદ રેલ્વે સ્ટેશન પર લેવામાં આવ્યો હતો. જેમાં તેઓ પોતાના પરિવાર સાથે પ્લેટફોર્મ પર બેસીને ટ્રેનની રાહ જોઇ રહ્યાં છે. આ જ કારણ છે કે લોકો તેની તસવીરને લાઈક અને કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.
આ તસવીર તેલુગુ દેશમ પાર્ટી જયટીડીપી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. ટીડીપીએ આ પોસ્ટ શેર કરતાં કેપ્શનમાં લખ્યુ કે, “અશોક ગજપતિ રાજુ પોતાનામાં એક રાજા છે. તે હૈદરાબાદ રેલ્વે સ્ટેશન પર સામાન્ય માણસની જેમ ઘરે પાછા જવા માટે ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. તે ઈમાનદારી અને,સચ્ચાઇનું પ્રતિક છે. તે હંમેશા તે જ કામ કરે છે જે લોકો માટે સૌથી સારુ હોય છે.સત્તા તેમને ક્યારેય ભ્રષ્ટ કરી શકતી નથી.”
ટીડીપી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરને થોડા જ કલાકોમાં 90 હજારથી વધુ વ્યૂઝ અને 3700 લાઈક્સ મળી છે. રાજુની સાદગીએ લોકોના દિલ જીતી લીધા. મહત્વનું છેકે, પૂર્વ કેન્દ્રીય મંત્રી હોવા ઉપરાંત, રાજુ વિઝિયાનગરમના રજવાડાના રાજવી પરિવારના વંશજ પણ છે. તેઓ વિઝિયાનગરમના છેલ્લા મહારાજાના સૌથી નાના પુત્ર છે. આ સિવાય અશોક ગજપતિ રાજુ મે 2014 થી માર્ચ 2018 સુધી નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી હતા. તેઓ 25 વર્ષથી વધુ સમય સુધી આંધ્ર પ્રદેશ રાજ્ય વિધાનસભાના સભ્ય અને 13 વર્ષ સુધી આંધ્ર પ્રદેશ સરકારમાં મંત્રી રહ્યા.