શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ સુરક્ષા દળોની ચોકીને નિશાન બનાવી, પહેલા ચોકી પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ બોંમ્બ ફેંક્યા હતા, જેના જવાબમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો
ઈમ્ફાલ
મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી શાંત પડેલી હિંસા ફરી એકવાર ભડકી ઉઠી છે. ટેગ્નોપાલ જિલ્લાના મોરેહ શહેરમાં આજે સુરક્ષા દળોના જવાન અને ઉગ્રવાદીઓ સામસામે આવી ગયા હતા અને બંને તરફથી ગોળીબાર થયો હતો, જેમાં એક કમાન્ડો શહીદ થયો હતો.
સ્થાનિક મીડિયામાંથી મળતા અહેવાલ અનુસાર કેટલાક શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ આજે સવારે સુરક્ષા દળોની ચોકીને નિશાન બનાવી હતી. ઉગ્રવાદીઓએ પહેલા ચોકી પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ બોંમ્બ ફેંક્યા હતા, જેના જવાબમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. બંને તરફથી લગભગ એક કલાક સુધી ગોળીબાર થયો હતો.
આ અથડામણમાં એક કમાન્ડોને ગોળી વાગી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક જવાનની ઓળખ ઈન્ફાલ પશ્ચિમ જિલ્લાના માલોમના રહેવાસી વાંગખેમ સોમરજીત તરીકે થઈ હતી. આ ઘટના બાદ સુરક્ષા દળોએ પૂરા વિસ્તારનો ઘેરી લીધો હતો અને શંકાસ્પદોની શોધખોળ હાથ ધરી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આ હિંસા પાછળ બે શંકાસ્પદોની ધરપકડનું કારણ માનવામાં આવી રહ્યું છે. પોલીસે બે શંકાસ્પદોની ધરપકડ કરી હતી, જેના માત્ર 48 કલાક બાદ ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો હતો.