1થી 13 જાન્યુઆરી સુધીમાં ભારતમાં સરેરાશ 2883 ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન કરાયું, જેમાં 4,42,370 મુસાફરોએ પ્રવાસ કર્યો, 14 જાન્યુઆરીએ ફ્લાઈટની સંખ્યા ઘટીને 2552 થઈ ગઈ
નવી દિલ્હી
દેશભરના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે, જેની સૌથી વધુ અસર એર ટ્રાફિકને થઈ છે. કેટલાક દિવસોથી ઘણી ફ્લાઈટો રદ કરાઈ છે અને મુસાફરોની સંખ્યા પણ ઘટી છે. મીડિયા અહેવાલો મુજબ માત્ર બે દિવસમાં 300 ફ્લાઈટો રદ થઈ છે, જ્યારે મુસાફરોની સંખ્યામાં 40 હજાર ઘટી ગઈ છે.
ફ્લાઈટના સમયસર ઉડ્ડયનની વાત કરીએ તો દેશના 6 એરપોર્ટ પર ઈન્ડિગોની માત્ર 22 ટકા ફ્લાઈટો સમયસર ઉડી રહી છે. એઆઈએક્સ કનેક્ટ (અગાઉ એરએશિયા ઈન્ડિયા)ની માત્ર 30 ટકા ફ્લાઈટો અને એર ઈન્ડિયાની 18.6 ટકા ફ્લાઈટો સમયસર સંચાલન થઈ રહ્યું છે. ઈન્ડિગો દૈનિક 1760 ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન કરે છે, જેમાંથી માત્ર 387 ફ્લાઈટો સમયસર છે. અન્ય એરલાઈન્સોની પણ આવી જ સ્થિતિ છે.
અહેવાલો મુજબ 1થી 13 જાન્યુઆરી સુધીમાં ભારતમાં સરેરાશ 2883 ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન કરાયું, જેમાં કુલ 4,42,370 મુસાફરોએ પ્રવાસ કર્યો. જ્યારે 14 જાન્યુઆરીએ ફ્લાઈટની સંખ્યા ઘટીને 2552 થઈ ગઈ અને મુસાફરોની સંખ્યામાં પણ 3,81,259નો ઘટાડો થયો. 15 જાન્યુઆરીએ ફ્લાઈટની સંખ્યા ઘટીને 2598 થઈ ગઈ અને મુસાફરોની સંખ્યામાં પણ 3,90,216નો ઘટાડો થયો. બે દિવસમાં લગભગ 330 ફ્લાઈટો અને સરેરાશ 40 હજારથી મુસાફરોમાં ઘટાડો થયો છે.