ચીનની બે મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડ અને કન્ટ્રી ગાર્ડન તો પહેલા જ દેવાળુ ફૂંકી ચુકી છે અને હવે વધુ એક જાયન્ટ રિયલ એસ્ટેટ કંપની ચાઈના વાન્ક પણ આ જ રસ્તા પર
બિજિંગ
ચીન પર પણ મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે.ચીનની સરકાર ભલે જાહેરમાં કશું ના બોલી રહી હોય પણ દેશનુ રિયલ એસ્ટેટ સેક્ટર પરનુ સંકટ ઘેરુ બની રહ્યુ છે.
ચીનની બે મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડ અને કન્ટ્રી ગાર્ડન તો પહેલા જ દેવાળુ ફૂંકી ચુકી છે અને હવે વધુ એક જાયન્ટ રિયલ એસ્ટેટ કંપની ચાઈના વાન્ક પણ આ જ રસ્તા પર છે.
મૂડીઝે તો તેને જંક કેટેગરીમાં નાંખી દેતુ રેટિંગ પણ આપ્યુ છે.બીજી તરફ ચીનની એક બે નહીં પણ 12 મોટી બેન્ક આ કંપનીને બચાવવા માટે તનતોડ પ્રયાસો કરી રહી છે.જેમાં 6 તો દેશની સરકારી બેન્કો છે.
ચાઈના વાન્ક કંપનીને આગામી મહિનાઓમાં અબજો ડોલરનુ પેમેન્ટ કરવાનુ છે ત્યારે કંપનીને બચાવવા માટે 12 બેન્કો તેને 11 અબજ ડોલરની લોન આપવા માટે વાતચીત કરી રહી છે.ચીનમાં મકાનોની માંગમાં થયેલા ભારે ઘટાડાના કારણે કંપની આર્થિક સંકડામણ અનુભવી રહી છે.કંપનીના શેરોએ આ વર્ષે રોકાણકારોને નેગેટિવ રિટર્ન આપ્યુ છે.શેરના ભાવમાં છેલ્લા ચાર મહિનામાં 39 ટકાનો કડાકો બોલી ચુકયો છે.
સોમવારે ચાઈના વાન્કનુ રેટિંગે પણ મૂડીઝે ઘટાડીને બીએ 1 કરી દીધુ છે.જે સૌથી નીચેનુ રેટિંગ ગણાય છે.1984માં આ કંપનીને વાંગ શી નામના સાહસિકે સ્થાપી હતી.જેઓ દેશના રિયલ એસ્ટેટ સેક્ટરના બેતાજ બાદશાહ મનાય છે.એક સમયે તેમની તુલના અમેરિકાના રાષ્ટ્રપતિ અને બિઝનેસમેન ટ્રમ્પ સાથે થતી હતી.ટ્રમ્પ પણ રિયલ એસ્ટેટ સેકટર સાથે જોડાયેલા છે.
ચાઈના વાન્કમાં ચીનની સરકારી કંપની શેનઝેન મેટ્રોની પણ 33 ટકા ભાગીદારી છે.છેલ્લા એક વર્ષથી કંપની રોકડ રકમની અછત સામે ઝઝૂમી રહી છે.કંપનીના વેચાણમાં ગત વર્ષે 10 ટકાનો અને આ વર્ષે અત્યાર સુધીમાં 32 ટકાનો ઘટાડો થઈ ચુકયો છે.
ચીનના રિયલ એસ્ટેટ પર સંકટના વાદળો 2021થી ઘેરાવાના શરુ થયા હતા અને તે વખતે એવરગ્રાન્ડ કંપની ફડચામાં ગઈ હતી.જેના કારણે બીજી નાની કંપનીઓ પણ તબાહ થઈ હતી.લોકોનો, રોકાણકારોનો રિયલ એસ્ટેટ માર્કેટ પરથી ભરોસો ઉઠવા માંડ્યો હતો.
ચીનની જીડીપીમાં રિયલ એસ્ટેટ સેકટરનો ફાળો 30 ટકા જેટલો છે.રિયલ એસ્ટેટ સેક્ટરની નાણાભીડની અસર બેન્કો પર પણ દેખાઈ રહી છે અને તેના કારણે સમગ્ર અર્થતંત્રને ફટકો વાગે તેવી આશંકા ઉભી થઈ છે.સરકારે આ સેકટરને ઉગારવાના અત્યાર સુ ધીના કરેલા પ્રયાસોની કોઈ ખાસ અસર હજી સુધી જોવા મળી નથી.