14 એન્કર્સનો બહિષ્કાર કરવામાં ખોટું શું છે? આ લોકોએ એક રાજકીય પક્ષના મુખપત્ર બની મીડિયાની નૈતિકતા સાથે જ સમજૂતી કરી લીધી હોવાનો સિદ્ધારમૈયાનો આક્ષેપ
નવી દિલ્હી
જ્યારથી ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ 14 મીડિયા એન્કરોના શોમાં તેમના પ્રતિનિધિઓને ન મોકલવાનો નિર્ણય લીધો છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સતત આ મામલે ઈન્ડિયા ગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને ઘેર્યા હતા.
સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા એક્સ પર જે.પી.નડ્ડાને ટાંકીને લખ્યું કે વડાપ્રધાન મોદી એ છેલ્લા 10 વર્ષોમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન યોજીને દરેક ભારતીય પત્રકારનો બહિષ્કાર કર્યો છે. આટલું જ નહીં કોંગ્રેસ નેતાએ આગળ લખ્યું કે 14 એન્કર્સનો બહિષ્કાર કરવામાં ખોટું શું છે? આ લોકોએ એક રાજકીય પક્ષના મુખપત્ર બની મીડિયાની નૈતિકતા સાથે જ સમજૂતી કરી લીધી છે.
ઈન્ડિયા ગઠબંધનની ટીકા કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે ન્યૂઝ એન્કરોની આ રીતે યાદી જાહેર કરવી નાજીઓની કામ કરવાની રીત છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો હતો કે તે વિપક્ષી દળોનું ગઠબંધન 9 ચેનલોના 14 એન્કરોનો બહિષ્કાર કરી મીડિયાને ધમકાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હજુ પણ આ પાર્ટીઓની માનસિકતા ઈમરજન્સીના સમયની છે.
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા ગઠબંધન વતી નિર્ણય લેવાયો છે કે ટીવી એન્કર ચિત્રા ત્રિપાઠી, સુધીર ચૌધરી, સુશાંત સિંહ, રુબિકા લિયાકત, પ્રાચી પારાશર, નવિકા કુમાર, ગૌરવ સાવંત, અશોક શ્રીવાસ્તવ, અર્નબ ગોસ્વામી, આનંદ નરસિમ્હન, ઉમેશ દેવગન, અમન ચોપડા અને અદિતિ ત્યાગીના શોમાં કોઈપણ પક્ષ તેમના પ્રવક્તાને નહીં મોકલે.