તેમણે બદલામાં કોઈ રોકડ કે મોંઘી ભેટ લીધી નહોતી, કમિટી સમક્ષ હાજર થવા 5 નવેમ્બર સુધીનો સમય માગ્યો પરંતુ સમિતિએ તેમને 2 નવેમ્બરે હાજર થવા આદેશ કર્યો
નવી દિલ્હી
દેશના મોટા વેપારી જોડેથી પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી સમક્ષ એક સવાલના જવાબમાં સ્વીકાર્યું હતું કે તેમણે હીરાનંદાણીને તેમના લોગિન અને પાસવર્ડ આપ્યા હતા. જોકે તેમણે એમ પણ કહ્યું કે તેના માટે તેમણે બદલામાં કોઈ રોકડ કે મોંઘી ભેટ લીધી નહોતી.
મહુઆ મોઈત્રાએ તેની સાથે કમિટી સમક્ષ હાજર થવા માટે 5 નવેમ્બર સુધીનો સમય માગ્યો હતો પરંતુ સમિતિએ આ માગ ફગાવી દીધી હતી અને તેમને 2 નવેમ્બરે હાજર થવા આદેશ કર્યો હતો.
સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે તેમણે બિઝનેસમેન દર્શન હીરાનંદાણીને તેમનું સંસદનું લોગિન અને પાસવર્ડ આપ્યું હતું કેમ કે એવો કોઈ નિયમ નથી કે કોની પાસે લોગિન રહી શકે અને કોણ કરી શકે કે અને કોણ નહીં? તેમણે આગળ કહ્યું કે કોઇ પણ સાંસદ ખુદ સવાલ નથી કરતો. લોગિન અને પાસવર્ડ તેમની ટીમ પાસે રહે છે. પણ એક ઓટીપી આવે છે જે ફક્ત મારા ફોન પર આવે છે. તે દર્શનના ફોન પર નથી જતો. એવામાં કોઈ સવાલ જ નથી થતો કે કોઈ મારી જાણકારી વગર સવાલ અપલોડ કરી શકે.
જ્યારે સવાલ પૂછવાના બદલામાં પૈસા લેવાના આરોપ અંગે મહુઆએ કહ્યું કે મારી ઉપર પૈસા લઈને સવાલ પૂછવાનો આરોપ છે પણ પૈસા છે ક્યાં? દર્શને તેની એફિડેવિટમાં કહ્યું છે કે તે વડાપ્રધાન મોદીનો મોટો ફેન છે. તેણે અદાણી વિશે તો કંઈ કહ્યું નથી. બીજી વાત હીરાનંદાણીએ એફિડેવિટમાં પૈસાનો પણ કોઈ ઉલ્લેખ નથી કર્યો?
શું હીરાનંદાણીએ મહુઆ મોઈત્રાને મોંઘી ભેટો આપી? આ સવાલ પર તૃણમૂલ નેતાએ કહ્યું કે જ્યાં સુધી મને યાદ છે હીરાનંદાણીએ મને મારી બર્થ ડે પર હરમીઝનું એક સ્કાર્ફ આપ્યું હતું. મેં બોબી બ્રાઉનનું મેકઅપ સેટ માગ્યું હતું. તેમણે મને એક આઈ શેડો અને એક બિટેન પીચ લિપસ્ટિક ગિફ્ટ માગી હતી. હું જ્યારે પણ દુબઈ જતી તો દર્શન હીરાનંદાણીની કાર મને એરપોર્ટથી પિક અને ડ્રોપ કરતી હતી.