કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા NSDC-PDEU સેન્ટર ઓફ એક્સલન્સનું લોન્ચિંગ, આ સેન્ટર 40 અભ્યાસક્રમો ઓફર કરશે
સેમિકન્ડક્ટર, સોલાર અને સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ઓનલાઇન અને હાઇબ્રિડ કોર્સ ઉપલબ્ધ થશે
ગાંધીનગર
માનનીય કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)નું લોન્ચિંગ કર્યુંહતું.

લોન્ચ દરમિયાન સંબોધન કરતા જયંત ચૌધરીએ જણાવ્યું કે, “યુનિવર્સિટીઓ ફક્ત શિક્ષણ સંસ્થાઓ નથી – તે એક એવો સેતુ છે જે યુવા માનસને વાસ્તવિક દુનિયાની સતત બદલાતી પરિસ્થિતિઓ સાથે જોડે છે. તેમને ટેક્નિકલ સજ્જતા અને વૈવિધ્યસભર જ્ઞાન પ્રદાન કરીને, તેઓ વિદ્યાર્થીઓનો વિવેચનાત્મક રીતે વિચારવા, નવીનતામાં ઝંપલાવવા અને અસરકારક રીતે અનુકૂલન પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે. યુવા વિકાસની આ યાત્રામાં, ગુજરાત એક પથદર્શક રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉદ્યોગો સાથે ભાગીદારી અને સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને યુનિવર્સિટીઓ એવા વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહી છે જેઓ તેમની કારકિર્દી માટે સજ્જ હોવાની સાથે વિચારશીલ, સર્જનાત્મક અને રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ પણ છે.”
CoEવિશેષ તાલીમ પૂરી પાડવા માટે અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ ધરાવતી પ્રયોગશાળાઓથી સજ્જ હશે.આ સેન્ટર સેમિકન્ડક્ટર ઉત્પાદન, નવીનીકરણીય અને બિન-નવીનીકરણીય ઊર્જા, ડિજિટલ એજ, સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં 40 થી વધુ ઑનલાઇન અને હાઇબ્રિડ અભ્યાસક્રમો ઓફર કરશે.
આ મહિનાની શરૂઆતમાં NSDC અને PDEU વચ્ચે આ સંદર્ભમાં એકએમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇને કરાયેલા આ 40 અભ્યાસક્રમો ITI, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમોના વિદ્યાર્થીઓને સુવિધાઓ આપશે. આ અભ્યાસક્રમો ટિયર-1, ટિયર-2 અને ટિયર-3સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઊર્જા, આરોગ્ય, પાણી અને ખોરાક સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિશિષ્ટ મેન્યુફેક્ચરિંગ કૌશલ્ય સમૂહોમાં વ્યવહારુ અનુભવથી સજ્જ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
NSDC ના સીઇઓ અને NSDC ઇન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર (MD) વેદમણિ તિવારીએ જણાવ્યું કે, “ભારત તેના યુવાનો માટે એક નવા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે, ઝડપથી બદલાઇ રહેલા સમય અનુસાર તેમની અંદર જરૂરી કૌશલ્ય નિર્માણ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) દ્વારા ગ્લોબલ સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જેના લીધે ભારતીય વિદ્યાર્થીઓને વિશ્વકક્ષાની તાલીમ મળે છે અને આંતરરાષ્ટ્રીય જોબ માર્કેટમાં તેઓ આત્મવિશ્વાસથી આગળ વધી શકે છે. ”
PDEU ના ડાયરેક્ટર જનરલ એસ સુંદર મનોહરને જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અંતર્ગત સમગ્ર ભારતમાં યુવાનોને સશક્ત બનાવવા તેમજ કૌશલ્ય વિકાસને આગળ વધારવાના તેમના મિશનને અનુરૂપ PDEU દેશભરમાં બહોળી સંખ્યામાં નાગરિકોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આત્મનિર્ભર અને વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં આ સેન્ટર્સ ઓફ એક્સલન્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે.”
NSDC અને PDEU વચ્ચેની ભાગીદારી ભવિષ્ય માટે તૈયાર કાર્યબળના નિર્માણ તરફ એક પરિવર્તનશીલ પગલું છે, જે ભારતના આર્થિક વિકાસ અને ટેકનોલોજીકલ નેતૃત્વ માટે મહત્વપૂર્ણ છે. તે મેક-ઇન-ઇન્ડિયા રેડીનેસ અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આત્મનિર્ભર ભારતની પ્રગતિને વેગ આપશે.
