કોઈમ્બતુર અને હરિદ્વાર જેવા નાના શહેરોમાંથી પણ કેટલાંય અબજોપતિઓ ઉભરી આવ્યા
અમદાવાદ
ફોર્બ્સે દેશના 100 સૌથી વધુ ધનિક લોકોની લિસ્ટ અને તેમના નિવાસ સ્થાન વિશે જાણકારી શેર કરી છે. તે મુજબ ભારતની આર્થિક રાજધાની મુંબઈ અબજોપતિઓની સંખ્યાના મામલે ટોપ પર છે.
ભારતના અબજોપતિની વાત કરીએ તો મુંબઈ અને દિલ્હી ઉદ્યોગપતિઓ માટે ટોચના શહેર છે. ત્યારે બીજી તરફ કોઈમ્બતુર અને હરિદ્વાર જેવા નાના શહેરોમાંથી પણ કેટલાંય અબજોપતિઓ ઉભરી આવ્યા છે.
ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ભારતીય અબજોપતિઓની સંખ્યા સૌથી વધુ છે. ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 પ્રમાણે ટોપના 100 ધનિકોમાંથી 33 અબજોપતિઓ મુંબઈમાં રહે છે. મુંબઈમાં મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિડલા, રાધાકિશન દમાની, દિલીપ સાંઘવી અને બજાજ ફેમિલી જેવા બિઝનેસ ટાયકૂનના ઘર છે.
મુંબઈ બાદ બીજા નંબર પર રાજધાની દિલ્હીનું નામ આવે છે. રાજધાની દિલ્હીએ લાંબા સમયથી દેશના ધનિક લોકોને આકર્ષિત કર્યા છે. દિલ્હીમાં અબજોપતિઓની સંખ્યા 20 છે. દિલ્હીમાં સાવિત્રી ઝિંદલ, સુનીલ મિત્તલ, શિવ નાદર, કેપી સિંહ જેવા દિગ્ગજો રહે છે.
સિલિકોન વેલી એટલે કે, બેંગલુરુ 10 અબજોપતિઓની સાથે ત્રીજા નંબર પર છે. બેંગલુરુમાં અઝીમ પ્રેમજી, એનઆર નારાયણ મૂર્તિ, નંદન નીલેકણિ જેવા આઈટી ઉદ્યોગના દિગ્ગજ અબજોપતિઓ રહે છે.
સાત અબજોપતિઓની સાથે અમદાવાદ ચોથા નંબર પર છે. અમદાવાદ ભારતના સૌથી મોટા ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે. અમદાવાદના મોટાભાગના અબજોપતિઓના મૂળ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં છે. ગૌતમ અદાણી, હસમુખ ચુડગર, કરસનભાઈ પટેલ જેવા અબજોપતિઓ આ જ શહેરમાં રહે છે.