છેલ્લા પાંચ વર્ષમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા પાંચ ગણી થઈ

વોશિંગ્ટન
ભારતના લોકોનો અમેરિકા માટેનો ક્રેઝ જાણીતો છે. યેન કેન પ્રકારે અમેરિકામાં ઘૂસવા માટે ભારતના ઘણા લોકો ગમે તે કરી છુટવા માટે તૈયાર હોય છે.
અમેરિકાના વિઝા લઈને જનારા ભારતીયોની સાથે સાથે ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘૂસવા માંગતા ભારતીયોની સંખ્યા પણ ઘણી મોટી છે. અમેરિકાના કસ્ટમ અને બોર્ડર સિક્યુરિટીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 97000 ભારતીયો અમેરિકામાં ઘૂસણખોરી કરતા પકડાયા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા પાંચ ગણી થઈ ચુકી છે. આંકડા પ્રમાણે 2019-20માં 19000 જેટલા ભારતીયો ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરતા પકડાયા હતા અને એ પછી હવે આ આંકડો સતત વધતો જ રહ્યો છે.
છેલ્લા એક વર્ષમાં પકડાયેલા ભારતીયો પૈકી 30000 કેનેડા બોર્ડર પર અને 41000 મેક્સિકો બોર્ડર પકડાયા છે. તેમને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં એકલા વ્યક્તિ, પરિવારના સભ્યો, સગીર વયના વ્યક્તિ સાથે તથા બાળકોનો સમાવશ થાય છે. પકડાયેલાઓમાં સૌથી વધારે સંખ્યા પુખ્ત વયના અને એકલા લોકોની છે.
અમેરિકન સેનેટર જેમ્સ લેંકફોર્ડે મોટી સંખ્યામાં અમેરિકામાં થઈ રહેલી ઘૂસણખોરી પર ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે, લોકો સંખ્યાબંધ ફ્લાઈટસ બદલીને મેકિસકો પહોંચે છે અને ત્યાંની ગેંગો લોકોને અમેરિકામાં ઘૂસણખોરી કરાવે છે. આવા લોકો અમેરિકાની સિસ્ટમનુ શોષણ કરી રહ્યા છે. તેમને કાબૂમાં લેવા માટે ચોક્કસ નીતિ બનાવવી જરુરી.