ભારતીય ક્રિકેટર્સને વડાપ્રધાન મોદી-સેલિબ્રિટીસે સાંત્વના પાઠવી

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગરૂમમાં ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ વધાર્યું

અમદાવાદ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને 6 વિકેટથી હરાવી છટ્ઠી વખત ચેમ્પિયન બન્યું હતું. આ હાર બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ સહિત ટીમના તમામ ખેલાડીઓ નિરાશ દેખાયા હતા. ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગરૂમમાં ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ વધાર્યું હતું. આ મુલાકાતની કેટલીક તસવીરો સામે આવી છે.
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ સાથે ડ્રેસિંગરૂમની તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા જાડેજાએ લખ્યું, ‘અમારી ટૂર્નામેન્ટ ઘણી સારી હતી, પરંતુ અમે ફાઇનલમાં હારી ગયા. આપણે બધા દુઃખી છીએ, પરંતુ આપણા દેશના લોકોનો સપોર્ટ આપણને આગળ લઈ જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગરૂમમાં પહોંચ્યા હતા. તેમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરણાદાયી હતી.’
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપ2023ની ફાઈનલ મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી-મોટી હસ્તીઓ આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજી ઇનિંગ દરમિયાન સ્ટેડિયમમાં દેખાયા હતા. પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ જોવા મળ્યા હતા. ફાઈનલ મેચ જોવા માટે શાહરૂખ ખાન, ગૌરી ખાન, આશા ભોસલે, અનુષ્કા શર્મા, અથિયા શેટ્ટી, દીપિકા પાદુકોણ જેવા બોલીવૂડ સેલેબ્સ પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *