પ્રસ્તાવની તરફેણમાં ભારત સહિત 91 દેશોએ મતદાન કર્યું
વોશિંગ્ટન
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએનજીએ)માં સીરિયાઈ ગોલન પરથી ઈઝરાયલ દ્વારા કબજો ન હટાવવા સામે ગાઢ ચિંતા વ્યક્ત કરતો મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ પ્રસ્તાવ અંગે ભારતનું વલણ ચોંકાવનારું રહ્યું.
આ પ્રસ્તાવની તરફેણમાં ભારત સહિત 91 દેશોએ મતદાન કર્યું. એટલે કે ભારત સીરિયન વિસ્તાર ગોલન પર ઈઝરાયલના કબજાના વિરોધમાં છે. ઉલ્લેખનીય છે કે સીરિયન ગોલન દક્ષિણ પશ્ચિમ સીરિયાનો એક વિસ્તાર છે જેના પર 1967માં ઈઝરાયલી સુરક્ષાદળોએ કબજો કરી લીધો હતો. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભુટાન, ચીન, મલેશિયા, માલદીવ, નેપાળ, રશિયા, દ.આફ્રિકા, શ્રીલંકા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા દેશોએ ઈઝરાયલના કબજાનો વિરોધ કર્યો હતો.
પશ્ચિમ એશિયામાં સ્થિતિ વિષય પર આધારિત એજન્ડા હેઠળ સીરિયન ગોલન નામના પ્રસ્તાવ પર 193 સભ્યોની સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં મતદાન થયું હતું. ઈજિપ્તે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેની તરફેણમાં 91 દેશોએ વોટિંગ કર્યું અને આ પ્રસ્તાવના વિરોધમાં એટલે કે ઈઝરાયલના કબજાના સમર્થનમાં કુલ 8 દેશોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે 62 સભ્ય દેશો આ મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઈઝરાયલ, બ્રિટન અને અમેરિકા જેવા દેશોએ આ પ્રસ્તાવના વિરોધમાં એટલે કે ઈઝરાયલના કબજાના સમર્થનમાં મતદાન કર્યું હતું.
પ્રસ્તાવમાં એ વાત પર ચિંતા વ્યક્ત કરાઈ હતી કે પ્રાસંગિક સુરક્ષા પરિષદ અને મહાસભાના પ્રસ્તાવથી વિપરિત ઈઝરાયલે સીરિયન ગોલનથી પીછેહઠ નથી કરી જે 1967થી તેના કબજામાં છે. પ્રસ્તાવમાં જાહેર કરાયું છે કે ઈઝરાયલ સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 497 (1981) નું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. સાથે જ તેમાં કહેવાયું કે કબજાવાળા સીરિયન ગોલન હાઇટ્સમાં પોતાના કાયદા, અધિકાર ક્ષેત્ર અને વહીવટને લાગુ કરવાનો ઈઝરાયલનો નિર્ણય અમાન્ય અને આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રભાવ વગરનો છે.