નવી દિલ્હીની પેલેસ્ટાઈન એમ્બેસીમાં પેલેસ્ટાઈનના સમર્થન માટે યોજાયેલા એક કાર્યક્રમમાં સંખ્યાબંધ મુસ્લિમ દેશોના રાજદૂતોએ ભાગ લીધો
નવી દિલ્હી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગથી સમગ્ર મિડલ ઈસ્ટ પર તણાવના વાદળો ઘેરાયેલા છે.
આ પ્રકારની સ્થિતિમાં નવી દિલ્હીની પેલેસ્ટાઈન એમ્બેસીમાં પેલેસ્ટાઈનના સમર્થન માટે યોજાયેલા એક કાર્યક્રમમાં સંખ્યાબંધ મુસ્લિમ દેશોના રાજદૂતોએ ભાગ લીધો હતો. જેમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબૂ અલ હાઈજા તેમજ આરબ લીગના રાજદૂત યુસુફ મહોમ્મદ જમીલની આગેવાનીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈન દેશની રચના માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.
સાઉદી અરબના રાજદૂત સાલેહ અલ હુસેનીએ શાંતિ અને સ્થિરતા માટે વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકાના મહત્વ પર ભાર મુકયો હતો. જેમાં તેમણે તાજેતરમાં મળેલી આરબ ઈસ્લામિક સમિટમાં થયેલા ઠરાવનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, ઈઝરાયેલને દુનિયાભરના દેશોએ હથિયારો પૂરા પાડવાનુ બંધ કરવુ જોઈએ.
તેમણે કહ્યુ હતુ કે, મિડલ ઈસ્ટમાં ભારત શાંતિદૂતનો રોલ ભજવી શકે છે. ભારત એક મહત્વનો દેશ છે. વૈશ્વિક સ્તરે પણ સ્થિરતા અને શાંતિમાં ભારત બહુ મોટો રોલ અદા કરી શકે તેમ છે. ભારતે જી-20ની તાજેતરમાં અધ્યક્ષતા પણ કરી છે. વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં ભારતનો પહેલેથી બહુ મોટો રોલ રહેલો છે.