વિરોધ પ્રદર્શનના તમામ વીડિયો સામે આવ્યા, સૈનિકોની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓએ ભાગ લઈને સૂત્રોચ્ચાર કર્યા
મોસ્કો
યુક્રેન પર રશિયાના હુમલાના એક વર્ષ અને નવ મહિના પસાર થઈ ચૂક્યા છે પરંતુ યુદ્ધનો હજુ સુધી કોઈ સમાધાન થયું. હજારો રશિયન સૈનિકો હજુ પણ યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યા છે. બીજી તરફ તેમના પરિવારજનોનો ગુસ્સો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નીકળી રહ્યો છે. મોટી સંખ્યામાં રશિયન સૈનિકોના પરિવારના સભ્યોએ રાજધાની મોસ્કોમાં વિરોધ પ્રદર્શન કરીને કહ્યું કે, તેમના પુત્ર અને પતિને યુક્રેનથી પરત બોલાવો.
સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શનના તમામ વીડિયો સામે આવી રહ્યા છે. તેમાં રશિયામાં યુદ્ધ લડી રહેલા સૈનિકોની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓએ ભાગ લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓની માંગ છે કે, હવે પુતિને પોતાનું વચન નિભાવવું જોઈએ. એક વર્ષ પહેલા ઘર છોડીને ગયેલા સૈનિકોની પત્નીઓનું કહેવું છે કે, તેમને યુદ્ધ નહીં શાંતિ જોઈએ. ઝડપથી તેમની વતન વાપસી કરાવો.
યુદ્ધ વિરુદ્ધ આંદોલન કરી રહેલી મહિલાઓએ એક વીડિયો મેસેજમાં કહ્યું કે, અમને શાંતિ જોઈએ. યુક્રેનમાં યુદ્ધ કરવા માટે એક વર્ષ પહેલા ગયેલા સૈનિકોને હવે પરત લાવવા જોઈએ. પરંતુ સરકાર એવું કેમ નથી કરી રહી? અમારી સેના ભલે આજે વિશ્વની સૌથી સારી સેના બની ગઈ છે પરંતુ એનો અર્થ એ નહીં કે, આ સેનાને અંતિમ સૈનિક સુધી ત્યાં જ રહેવું જોઈએ.
આંદોલન કરી રહેલી મહિલાઓએ કહ્યું કે, અમારા સંતાનો દેશ માટે બહાદુરીથી લડ્યા છે. તેઓએ પોતાનું લોહી વહાવ્યું છે. હવે તેઓ તેમના પરિવાર પાસે પરત ફરવા જોઈએ પરંતુ સરકાર આવું કેમ નથી કરી રહી? મહિલાઓનું કહેવું છે કે રશિયન સરકારે વચન આપ્યું હતું કે યુક્રેનમાં કામ પૂરું થયા બાદ સૈનિકોને પરત લાવવામાં આવશે.
બીજી તરફ ક્રેમલિનનું કહેવું છે કે, યુક્રેનમાં હાલમાં રશિયન સૈનિકોનું કામ પૂર્ણ નથી થયું. ત્યાં તેમની જરૂર છે. યુદ્ધ હજુ ખતમ નથી થયું. યુદ્ધ ખતમ થતાં જ સૈનિકો પરત આવી જશે. હાલ તેઓ માતૃભૂમિ માટે કામ કરી રહ્યા છે.