ગાંધીધામ
ગ્રૂપ-એમાં અંતિમ ક્રમે રહ્યા બાદ સુરતની વિશ્રુતિ જાદવે ઇતિહાસ રચીને જોરદાર વળતો પ્રહાર કરીને અહીં યોજાયેલી સૌ પ્રથમ ગુજરાત સ્ટેટ સબ જુનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનિશપમાં ગર્લ્સ ઇવેન્ટમાં ટાઇટલ જીતી લીધું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના (કેડીટીટીએ)ના ઉપક્રમે આ ટુર્નામેન્ટ અહીંના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપર, ગાંધીધામ ખાતે 30 નવેમ્બરથી પહેલી ડિસેમ્બર દરમિયાન યોજાઈ હતી.
રાઉન્ડ રોબિન મેચોને અંતે અમદાવાદની ફિઝા પવાર ગર્લ્સ ગ્રૂપ-એમાં મોખરે રહી હતી. ત્યાર બાદ ચાર્મી ત્રિવેદી, સિદ્ધિ બલસારા અને વિશ્રુતિનો ક્રમ આવતો હતો. ગ્રૂપ-બીમાં શિવાની ડોડિયા મોખરે હતી ત્યાર બાદ ખ્વાઇશ લોટિયા, જ્હાન્વી પરમાર અને અનાઇશા સિંઘવીનો ક્રમ આવતો હતો.
મેઇન ડ્રોમાં સુરતની વિશ્રુતિએ પાસું પલટી નાખ્યું હતું અને શિવાનીને 3-1થી હરાવી હતી ત્યાર બાદ સેમિફાઇનલમાં તેણે ચાર્મીને 3-2થી અને અંતે ફાઇનલમાં ખ્વાઇશ લોટિયાને 3-1 ((12-10, 11-8, 6-11, 11-9)થી હરાવી હતી. આ સાથે રૂપિયા 7500નો ચેક તથા ખ્વાઇશને રૂપિયા 5500નો ચેક એનાયત કરાયો હતો.
ગ્રૂપ-એની મોખરાની ખેલાડીઓ ફિઝા અને ચાર્મી સંયુક્તપણે ત્રીજા ક્રમે રહ્યા હતા.
બોયઝ ઇવેન્ટમાં અમદાવાદનો માલવ પંચાલ ગ્રૂપ-એમાં મોખરે રહ્યો હતો જ્યારે જેનિલ પટેલ બીજા ક્રમે અને ત્યાર બાદના ક્રમે અંશ ખમાર, નૈરિત વૈદ્ય અને ધ્રુવ બાંભણીયા રહ્યા હતા. ગ્રૂપ-બીમાં વડોદરાનો વેદ પંચાલ મોખરે રહ્યો હતો જ્યારે દ્વિજ ભાલોડિયા, હ્રિદાન શાહ, વિહાન તિવારી, વંદન કટારીયા અને ધ્યાન વસાવડા ત્યાર પછીના ક્રમે રહ્યા હતા.
ગ્રૂપના વિજેતાઓ માલવ અને વેદ પંચાલે તેમના મેઇન ડ્રોની મેચો જીતીને ફાઇનલમાં ટકરાયા હતા જ્યાં અમદાવાદના માલવે તેના જ શહેરના વેદને 3-1 (11-7, 10-12, 11-7, 7-11, 11-6)થી હરાવ્યો હતો. ટાઇટલ જીતવા બદલ માલવને 7500 અને વેદને 5500 રૂપિયાનો પુરસ્કાર એનાયત કરાયો હતો. દ્વિજ અને હ્રિદાન સંયુક્તપણે ત્રીજા ક્રમે રહ્યા હતા.
આ સાથે આ ટુર્નામેન્ટની બંને ઇવેન્ટમાં મળીને આઠ ખેલાડીઓ વચ્ચે 52,400 રૂપિયાની ઇનામી રકમ વહેંચવામાં આવી હતી.