
નવી દિલ્હી
ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે (આઈએમડી) કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું શરુ થવામાં થોડો વિલંબ થવાનો હોવાથી આગાહી કરી છે. આઈએમડી દ્વારા ચોમાસું 4 જુન સુધીમાં બેસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂને કેરળમાં પ્રવેશ કરે છે. ચોમાસું બેસવામાં લગભગ 7 દિવસનો વિલંબ અથવા વહેલું આવતું હોય છે.
આઈએમડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ વર્ષે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થવાની સંભાવના છે. કેરળમાં 4 જૂને ચોમાસાના આગમનની સંભાવના છે. દક્ષિણ રાજ્યોમાં ચોમાસાનું આગમન ગત વર્ષે 29 મેએ, 2021માં ત્રીજી જૂને અને 2020માં એક જૂને થયું હતું. કેરળમાં ચોમાસાની શરૂઆત દ્વારા ભારતમાં દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસાનું આગમન નક્કી કરવામાં આવે છે.
ગત મહિને આઈએમડીએ કહ્યું હતું કે, ભારતમાં અલ નીનોની સ્થિતિ હોવા છતાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. વરસાદ આધારીત ખેતી ભારતનું મહત્વપૂર્ણ ઘટક છે. ભારતમાં શુદ્ધ ખેતીનો 52 ટકા ભાગ વરસાદ આધારીત ખેતી પર નિર્ભર છે અને તે દેશના કુલ ખાદ્ય ઉત્પાદનમાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે.