હૈદ્રાબાદને 38 રને હરાવીને ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે

Spread the love

ગુજરાતના છ વિકેટે 224 રનની સામે હૈદ્રાબાદની ટીમ છ વિકેટે 186 રન બનાવી શકી હતી

અમદાવાદ

સુકાની શુભમન ગીલ સહિતના બેટસમેન્સની શાનદાર બેટિંગ અને બોલર્સની કસાયેલી બોલિંગના જોરે ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદ્રાબાદને 38 રને આસાનીથી પરાજય આપ્યો હતો.

સનરાઈઝર્સ હૈદ્રાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો જે તેને ભારે પડ્યો હતો. ગુજરાતના સુકાની શુભમન ગીલ (72), જોશ બટલર (64 અને સાંઈ સુદર્શન (48)ની શાનદાર બેટિંગના જોરે ગુજરાતે છ વિકેટે 224 રન બનાવી સનરાઈઝર્સ હૈદ્રાબાદ સમક્ષ 225 રનનો કપરો પડકાર મૂક્યો હતો. જેની સામે હૈદ્રાબાદની ટીમ છ વિકેટે 186 રન બનાવી શકી હતી.

હૈદ્રાબાદે 225 રનના કપરા પડકારનો સામનો કરતા સારી શરૂઆત કરતા પાંચમી ઓવરમાં જ 49 રન બનાવી લીધા હતા પરંતુ તેનો સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડ 16 બોલમાં ચાર બાઉન્ડ્રી સાથે 20 રન બનાવીને પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર રાશિદ ખાનના હાથમાં ઝિલાઈ ગયો હતો. રાશિદે શાનદાર કેચ ઝડપ્યો હતો. હેડના આઉટ થયા બાદ ઈશાન કિશન અભિષેક શર્મા સાથે જોડાયો પણ રનની ગતિ ધીમી પડી હતી. ઈશાન કિશન (13)ને કોએત્ઝેએ પ્રસિદ્ધ કૃષ્ણના હાથમાં ઝિલાવીને હૈદ્રાબાદને બીજો આંચકો આપ્યો હતો. ટીમે 82 રનના જુમલે કિશનની વિકેટ ગુમાવી હતી. અભિષેકે સિક્સર સાથે તેની અડધી સદી પુરી કરી હતી. તેણે 28 બોલનો સામનો કરતા બે બાઉન્ડ્રી અને પાંચ સિક્સર ફટકારી હતી. હૈદ્રાબાદે 11 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. એલબીડબલ્યુના એક નિર્ણય પર ભારે વિવાદ બાદ ક્રિસ પર રહેલા અને શાનદાર બેટિંગ કરતા અભિષેક શર્માની ઈનિંગ્સ ઈશાંત શર્માએ સમેટી હતી. અભિષેક 41 બોલમાં ચાર બાઉન્ડ્રી અને છ સિક્સર સાથે 74 રન બનાવીને મોહમ્મદ સિરાઝના હાથમાં ઝિલાઈ ગયો હતો.

ગુજરાત ટાઈટન્સે પહેલા બેટિંગ કરતા ઓપનર્સ સુકાની શુભમન ગીલ અને સાંઈ સુંદરે શાનદાર આક્રમક બેટિંગ કરી લગભગ પેક સ્ટેડિયમમાં પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું અને ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરતા 50 રન માત્ર 24 બોલમાં ઝૂડી કાઢ્યા હતા જ્યારે પ્રથમ પાવર પ્લેમાં ટીમે વિના વિકેટે છ ઓવરમાં 82 રન બનાવી લીધા હતા. જોકે માત્ર 23 બોલમાં નવ બાઉન્ડ્રી સાથે 48 રન ઝૂડી કાઢનારો સાંઈ ઝિશાન અન્સારીના બોલે વિકેટની પાછળ કલાસનના હાથમાં ઝિલાઈ ગયો હતો. આ સમયે ટીમનો કુલ સ્કોર 87 રન હતો. જોશ બટલર સાંઈના આઉટ થયા બાદ મેદાનમાં આવ્યો હતો. શુભમને 25 બોલમાં તેની અડધી સદી પુરી કરી હતી જેમાં તેણે છ બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી. ગુજરાતના 100 રન 50 બોલમાં પૂરા થયા હતા. ગીલ 38 બોલમાં 10 બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 76 રન બનાવીને રન આઉટ થયો હતો.

ટાઈટન્સે તેની બીજી વિકેટ 149 રને ગુમાવી હતી. બટલર અને વોશિંગ્ટન સુંદરે રનની ગતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો. એક સમયે ટીમ બહુ મોટો જુમલો ખડકે એમ લાગતું હતું પરંતુ રનની ગતિ અપેક્ષા કરતા ધીમી પડી ગઈ હતી. જોશ બટલરે 31 બોલમાં બે બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથે તેના 50 રન પુરા કર્યા હતા. ગુજરાતની ઈનિંગ્સની 19મી ઓવરના ચોથા બોલે જોશ બટલરના ઝંઝાવાતને ક્યુમિંગ્સે રોક્યો હતો. બટલરે 37 બોલમાં ત્રણ બોલમાં ચાર સિક્સર સાથે 64 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ તેનો આસાન કેચ ઝડપ્યો હતો. ગુજરાતે તેની ત્રીજી વિકેટ 206 રને ગુમાવી હતી. ગુજરાતે તેની ચોથી વિકેટ 218 રનના કુલ સ્કોર પર વોશિંગ્ટન સુંદરના રૂપે ગુમાવી. સુંદર જયદેવ ઉનડકટના બોલે નિતિશ કુમાર રેડ્ડીના હાથમાં 16 બોલમાં એક સિક્સર સાથે 21 રન બનાવીને ઝિલાઈ ગયો હતો. એમ શાહરૂખ ખાન સાથે રાહુલ તિવેટિયા જોડાયો હતો. હૈદ્રાબાદ તરફથી છેલ્લી ઓવરમાં ઉડકટે ત્રણ વિકેટ લઈને ગુજરાતને બહુ મોટો જુમલો ખડકતા અટકાવ્યું હતું. તેણે વોશિંગ્ટન બાદ તિવેટિયા (6)ને વર્માના હાથમાં ઝિલાવ્યા બાદ રાશિદ ખાનનો કેચ ઝડપીને ગુજરાતને છ વિકેટે 224 રનના સ્કોર પર સિમિત રાખ્યું હતું.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *