ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન સામે યુદ્ધની શરૂઆત બાદ આ યુદ્ધમાં અત્યાર સુધી 3 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા
મોસ્કો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને દેશની મહિલાઓને અપીલ કરી છે કે તે ઓછામાં ઓછા 8 બાળકો પેદા કરે. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે આપણે મોટા પરિવારોને સામાન્ય નજરે જોવા પડશે અને આ જરૂરી છે.
મોસ્કોમાં પુટિને વર્લ્ડ રશિયન પીપલ્સ કાઉન્સિલને સંબોધતા કહ્યું કે રશિયામાં જન્મદર 1990થી ઘટી રહ્યો છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન સામે યુદ્ધની શરૂઆત થઈ હતી. એક અહેવાલ અનુસાર આ યુદ્ધમાં અત્યાર સુધી 3 લાખ સૈનિકો મૃત્યુ પામી ગયા છે. જે રશિયાના માનવ સંસાધનની દૃષ્ટિએ મોટું નુકસાન છે. રશિયા એક મોટો દેશ છે પણ વસતી ગીચતા ઓછી છે. જેના લીધે રશિયાની ચિંતા વધી ગઈ છે.
વ્લાદિમીર પુટિને કહ્યું કે આપણે આવનારા અમુક દાયકા સુધી વસતી વધારવાનું લક્ષ્ય રાખવું પડશે. તેમણે કહ્યું કે આપણે ત્યાં અનેક સમુદાય છે જે આજે પણ મોટા પરિવારમાં વિશ્વાસ ધરાવે છે. તેમને ત્યાં 4-5 કે તેના કરતાં પણ વધુ બાળકો છે. આપણે યાદ રાખવું જોઇએ કે આપણી દાદી, પરદાદી અને નાનીના 7 કે 8 બાળકો કે પછી તેના કરતાં પણ વધુ બાળકો હતા. આપણે મોટા પરિવારોની પરંપરાને જીવંત રાખવી પડશે. તેને એક સામાન્ય નિયમ બનાવવો પડશે. તેમણે કહ્યું કે પરિવાર ફક્ત રાજ્ય અને સમાજના જ આધાર નથી પણ ધાર્મિક દૃષ્ટિએ પણ યોગ્ય છે.