સૂર્યથી પૃથ્વી પર આવતા તડકાને ઘટાડવાનો વિચાર જ્વાળામુખી ફાટવાની બે ઘટનાઓ પરથી આવ્યો
નવી દિલ્હી
પૃથ્વી પર વધતા તાપમાન અને ક્લાઈમેટ ચેન્જને અંકુશમાં લેવા માટે વિવિધ ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એક નવા આઈડિયા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આઈડિયા છે સૂર્યથી આવતા તાપને ઘટાડવાનો. સાંભળીને થોડુંક વિચિત્ર લાગશે , પરંતુ વૈજ્ઞાનિક સ્તરે તેના પર ઘણો વિચાર કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. વર્ષ 2022માં પૃથ્વી 1.26 ડિગ્રી સેલ્સિયસના દરે ગરમ થઈ રહી હતી. જ્યારે 2030 ના મધ્ય સુધીમાં તેનો દર વધીને 1.5 થઈ જશે. એવી આશંકા છે કે આ સદીના અંત સુધીમાં પૃથ્વીની ગરમીનો દર વધીને 2.5 ડિગ્રી થઈ શકે છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકો એક એવો ઉપાય શોધી રહ્યા છે જે સમયસર ઝડપી પરિણામ આપી શકે.
સૂર્યથી પૃથ્વી પર આવતા તડકાને ઘટાડવાનો વિચાર જ્વાળામુખી ફાટવાની બે ઘટનાઓ પરથી આવ્યો હતો. તેમાંથી એક ઘટના વર્ષ 1815માં ઈન્ડોનેશિયામાં બની હતી જ્યારે બીજી ઘટના 1991માં ફિલિપાઈન્સમાં બની હતી. બંને વખત, જ્વાળામુખી વિસ્ફોટ પછી થોડા વર્ષો માટે વૈશ્વિક તાપમાનમાં ઘટાડો થયો હતો. ખરેખર જ્યારે મોટા પાયે જ્વાળામુખી ફાટે છે, ત્યારે વાતાવરણમાં જાડું પડ જામી જાય છે. આ સ્તર ઘણા વર્ષો સુધી આ રીતે રહે છે. જેના કારણે થોડા સમય માટે સૂર્યનો તાપ ઓછો થઈ જાય છે અને તાપમાન પણ ઘટે છે. હવે વૈજ્ઞાનિકો આ આઈડિયાનો ઉપયોગ કરીને પૃથ્વીનું તાપમાન ઘટાડવા માંગે છે.
નોંધનીય છે કે સૂર્યના તાપથી જ પૃથ્વી ગરમ થાય છે અને ગ્રીનહાઉસ ગેસને કારણે આ ગરમી જળવાઈ રહે છે. આવી સ્થિતિમાં જ્વાળામુખી ફાટવા જેવી સ્થિતિ સર્જીને કૃત્રિમ ધુમ્મસ સર્જી શકાય છે. રિસર્ચ દર્શાવે છે કે જો સૂર્યની ગરમીને એક ટકા ઘટાડી શકાશે તો પૃથ્વીની ગરમી એક ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે. આ અશક્ય લાગે છે, પરંતુ એકત્રિત ડેટા દર્શાવે છે કે તે કરવું અશક્ય નથી. તેના માટે વૈજ્ઞાનિકો ખૂબ ઊંચા ઉડતા જેટનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ વિમાનોને ઉંચાઈ પર લઈ જઈને કેટલાક એવા પદાર્થો છોડવામાં આવશે જે પૃથ્વી પર પહોંચતા સૂર્યની ગરમીની અસરને ઓછી કરશે.
જોકે, સૂર્યના તાપને ઘટાડીને ક્લાઈમેટ ચેન્જને સંપૂર્ણપણે નિયંત્રિત નહીં કરી શકો પરંતુ તેનાથી પૃથ્વી પર કેટલાક સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. આ સંબંધમાં કરવામાં આવેલા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે તેનાથી ક્લાઈમેટ રિસ્ક ઘટાડી શકાય છે.