ઓવર સમાપ્ત થયા બાદ વધુ સમય બરબાદ નહીં કરી શકાય

Spread the love

આ નિયમ માત્ર વ્હાઈટ બોલ ક્રિકેટમાં લાગુ પડશે, ટેસ્ટ ક્રિકેટમાં આ નિયમ લાવવામાં આવ્યો નથી

દુબઈ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજથી ક્રિકેટના એક નવા નિયમની ટ્રાયલ શરુ થઇ જશે. આ નિયમને સ્ટોપ કલોક નામ આપવામાં આવ્યું છે. આ નિયમ આવવાથી ઓવર સમાપ્ત થયા બાદ ફિલ્ડીંગ કરનાર ટીમ સમય વધુ બરબાદ કરી શકશે નહીં. આ નિયમ માત્ર વ્હાઈટ બોલ ક્રિકેટમાં લાગુ પડશે. ટેસ્ટ ક્રિકેટમાં આ નિયમ લાવવામાં આવ્યો નથી. આજથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શરુ થનારી ટી20 સિરીઝમાં પ્રથમ વખત આ નિયમને લાગુ કરવામાં આવશે.

આગામી 6 મહિના સુધી આ નિયમ અલગ-અલગ ટી20આઈ સિરીઝમાં અજમાવવામાં આવશે. જો આનાથી રમત પર પ્રતિકૂળ અસર નહીં થાય અને ફાયદો થશે તો તેને ટી20આઈ અને વન-ડેમાં કાયમી કરી દેવામાં આવશે. આ નિયમ અંતર્ગત બોલિંગ કરનારી ટીમને એક ઓવર સમાપ્ત થયાના 60 સેકેંડની અંદર બીજી ઓવર ફેંકવા માટે તૈયાર રહેવું પડશે. એક ઓવર સમાપ્ત થયા બાદ તરત જ થર્ડ એમ્પાયરની ઘડિયાળ શરુ થઇ જશે. જે સ્ટેડિયમમાં લાગેલી મોટી સ્ક્રીન પર પણ દેખાશે.

બોલિંગ કરનારી ટીમ જો 60 સેકેંડની અંદર બીજી ઓવર ફેંકવા તૈયાર નથી થતી તો એક ઈનિંગમાં આવું બીજી વાર કરવા પર કોઈ પ્રકારનો દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ જો આવું ત્રીજી વખત થાય છે તો બોલિંગ કરનાર ટીમ પર 5 રનનો દંડ ફટકારવામાં આવશે. એટલે કે બેટિંગ કરનારી ટીમને 5 રન વધુના મળશે. 

આ નિયમની સાથે અન્ય કેટલાક નિયમો પણ જોડાયેલા છે. જેમ કે જો બેટિંગ કરનારી ટીમ સમયનો બગાડ કરે છે, તો પછી જ્યારે તે બોલિંગ કરવા માટે બહાર આવે છે, ત્યારે વેડફાતો સમય તેને ઉપલબ્ધ કુલ સમયમાંથી બાદ કરવામાં આવશે. આવી સ્થિતિમાં તેની પાસે 2 ઓવર વચ્ચે 60 સેકન્ડથી પણ ઓછો સમય બાકી રહેશે. 6 મહિનાના ટ્રાયલ પછી આ નિયમના ફાયદા અને ગેરફાયદાનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવશે અને પછી તેને આગળ ચાલુ રાખવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *