રેકોર્ડ રૂ. 64,000 પ્રતિ 10 ગ્રામે પહોંચેલું સોનું, નફામાં પ્રથમ ક્રમે રહ્યું હતું, જેણે 34 ટકા વળતર આપ્યું હતું. ચાંદીએ પણ 21 ટકાનો નફો આપ્યો
મુંબઈ
સેન્સેક્સે આ સપ્તાહે પ્રથમ વખત 70,000ના ઐતિહાસિક આંકડાને સ્પર્શ કર્યો છે. વિક્રમી વૃદ્ધિ છતાં સેન્સેક્સ છેલ્લા બે વર્ષમાં રોકાણકારોને નફો આપવામાં બીજા સ્થાને રહ્યું છે. ગયા અઠવાડિયે રેકોર્ડ રૂ. 64,000 પ્રતિ 10 ગ્રામે પહોંચેલું સોનું, નફામાં પ્રથમ ક્રમે રહ્યું હતું, જેણે 34 ટકા વળતર આપ્યું હતું. ચાંદીએ પણ 21 ટકાનો નફો આપ્યો છે. જોકે, રૂપિયો, ક્રૂડ ઓઈલ અને બિટકોઈનના કારણે રોકાણકારોને નુકસાન થયું છે.
સેન્સેક્સ 60,000 પર પહોંચ્યો ત્યારે જો કોઈએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો આ અઠવાડિયે આ રકમ વધીને 1.16 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સના 30માંથી ત્રણ શેરોએ સૌથી વધુ નફો આપ્યો હતો. એનટીપીસીએ 131 ટકા વળતર આપ્યું છે, ટાટા મોટર્સે 127 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 112 ટકા વળતર આપ્યું છે.
ઈમરજન્સીમાં સોનું સૌથી વધુ મદદરૂપ છે. ઘણા દેશોમાં તણાવ ચાલી રહેલો હોવા છતાં પણ સોનાએ સારું પ્રદર્શન કર્યું છે. ગયા અઠવાડિયે પણ તે પ્રથમ વખત રૂ. 64,000ની સપાટી સુધી પહોંચ્યું હતું. આવી સ્થિતિમાં, જેણે તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તે રકમ હવે 1.34 લાખ રૂપિયા થઈ જશે.
સોનાની જેમ ચાંદી પણ કિંમતી ધાતુઓમાં સામેલ છે. ચાંદીની કિંમતમાં પણ સોનાની જેમ વધ ઘટ થાય છે. તે પણ પહેલીવાર 80,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવને સ્પર્શી ગયો છે. 1 લાખનું રોકાણ હવે 1.21 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે કે 21 ટકા નફો થયો હોવાનું કહી શકાય છે.
ઘણા દેશો વચ્ચે તણાવના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. જે બેરલ દીઠ 35 ડોલરસુધી પહોંચ્યા પછી, તે ફરીથી 90 ડોલરની કિંમતને સ્પર્શી ગયો હતો. હાલમાં તે 75 ડોલરની આસપાસ છે. 1 લાખનું રોકાણ ઘટીને 95,582 રૂપિયા થઈ ગયું છે. જેથી રોકાણકારોને 4.7 ટકાનું નુકશાન થયું કહી શકાય.
રૂપિયો આ વર્ષે રોકાણકારોને નિરાશ કરી રહ્યો છે, જે ડોલર સામે સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે. આમાં 1 લાખ રૂપિયાનું રોકાણ ઘટીને 86,837 રૂપિયા થઈ ગયું છે.
ગયા વર્ષ સુધી જંગી નફો આપતું આ વર્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હવે અડધી કિંમતે ટ્રેડ થઈ રહ્યું છે. 60,000 ડોલર સુધી પહોંચ્યા બાદ હવે તે 30,000 ડોલર પર આવી ગયું છે. 1 લાખનું રોકાણ હાલમાં ઘટીને 98,742 રૂપિયા થઈ ગયું છે.
આપેલા આંકડાઓ 24 સપ્ટેમ્બર 2021 થી 10 ડીસેમ્બર 2023 સુધીના છે.