મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી સન્માનિત કરાશે

નવી દિલ્હી
આ વર્ષે આપવામાં આવનાર ખેલ પુરસ્કાર માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો સન્માન ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવશે. જ્યારે અર્જુન એવોર્ડ માટે સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ખેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વખતે મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવશે. આ તમામ પુરસ્કારો આ ખેલાડીઓને તેમની રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવશે. ખેલ મંત્રાલયે કહ્યું છે કે સમિતિઓની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે આ તમામ ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને એવોર્ડ માટે પસંદ કર્યા છે. મંત્રાલયે તમામ પુરસ્કારો મેળવનાર ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓની યાદી પણ જાહેર કરી છે.
આ તમામ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 9 જાન્યુઆરી 2024 ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક મોટા કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે. ખેલ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ તમામ એવોર્ડ ખેલાડીઓને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવશે.
