તપાસમાં વડા પ્રધાન પદ સંભાળતી વખતે લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટી કરવા માટે સંસદને ગેરમાર્ગે દોરવા બદલ તેમના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે
લંડન
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને પાર્ટીગેટ કૌભાંડ અંગે સંસદીય સમિતિના તપાસ અહેવાલ બાદ સંસદના સભ્યપદેથી રાજીનામું આપતા પોતાના નિર્ણયથી આખા દેશને ચોંકાવી દીધા છે. સંસદીય સમિતિએ તેની તપાસમાં વડા પ્રધાન પદ સંભાળતી વખતે લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટી કરવા માટે સંસદને ગેરમાર્ગે દોરવા બદલ તેમના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.
સંસદીય સમિતિ એવા આરોપોની તપાસ કરી રહી હતી કે 58 વર્ષીય જ્હોન્સને લોકડાઉન નિયમોના ભંગમાં કોવિડ મહામારી દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટી કરવા અંગે હાઉસ ઓફ કોમન્સને ગેરમાર્ગે દોર્યા હતા. વિશેષાધિકાર સમિતિ તરફથી આ બાબતે એક ગોપનીય પત્ર મળ્યા બાદ જોન્સને ગઈકાલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જ્હોન્સને સંસદીય સમિતિ પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેમને સંસદમાંથી બહાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે સમિતિએ અત્યાર સુધી એક પણ પુરાવા રજૂ કર્યા નથી કે મેં જાણીજોઈને અથવા અવિચારી રીતે સંસદને ગેરમાર્ગે દોર્યું હોય. આ પહેલા ગઈકાલે પૂર્વ પીએમ જોન્સને તપાસ રિપોર્ટ મળવાની જાણકારી આપી હતી અને દાવો કર્યો હતો કે તે ભૂલો અને પૂર્વગ્રહથી ભરપૂર છે. આ વર્ષે માર્ચમાં કમિટી ઑફ પ્રિવિલેજને આપેલા નિવેદનમાં જોન્સને સંસદને ગેરમાર્ગે દોરવાનું સ્વીકાર્યું હતું. જોકે તેણે જાણીજોઈને આવું કરવાનો ઈન્કાર કર્યો હતો.
તેમણે કહ્યું કે કોવિડ માહિમારીના લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં યોજાયેલી પાર્ટીઓમાં લોકડાઉન નિયમોના ઉલ્લંઘનની વાત યોગ્ય નથી. તેમણે કહ્યું કે તેઓ આવશ્યક કાર્યક્રમો હતા તેથી તેને મંજૂરી આપવામાં આવી હતી અને તેમણે ઉમેર્યું હતું કે પાર્ટી દરમિયાન તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું હતું.