સુરક્ષા દળોએ હોટલ પર કલાકો સુધી ચાલેલા ઉગ્રવાદી હુમલાને ખતમ કરી દીધો
મોગાદિશુ
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બીચસાઈડ રેસ્ટોરન્ટ પર ઈસ્લામિક અલ-શબાબ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નવ લોકો માર્યા ગયા છે અને 20 ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ હોટલ પર કલાકો સુધી ચાલેલા ઉગ્રવાદી હુમલાને ખતમ કરી દીધો છે.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, લોકપ્રિય પર્લ રેસ્ટોરન્ટમાં માર્યા ગયેલા લોકોમાં 6 નાગરિકો અને 3 સૈનિકો હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સુરક્ષા દળોએ 84 નાગરિકોને બચાવ્યા છે જ્યારે હુમલાખોરો વિશે જાણ ન થઈ. આ ઉપરાંત આમીન એમ્બ્યુલન્સ સેવાના નિર્દેશક અબ્દીકાદિર અબ્દીરહમાને જણાવ્યું કે, તેમના જૂથે 20 ઘાયલ લોકોને ઘટનાસ્થળેથી બહાર કાઢ્યા હતા.
અલ-કાયદાના પૂર્વ આફ્રિકાના સહયોગી સંગઠન અલ-શબાબે શુક્રવારે રાત્રે શરૂ થયેલા આ હુમલાની જવાબદારી લીધી હતી. સોમાલિયા સ્થિત ઉગ્રવાદી જૂથ મોગાદિશુમાં હોટલ અને અન્ય હાઈ-પ્રોફાઈલ સ્થળો પર હુમલાઓ કરવા માટે જાણીતું છે. જે સામાન્ય રીતે આત્મઘાતી બોમ્બ ધડાકાથી શરૂ થાય છે.
ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, કેટલાક લોકો પર્લ બીચ હોટેલની અંદર ફસાયેલા હતા જે સરકારી અધિકારીઓમાં લોકપ્રિય છે. લિડો બીચ વિસ્તાર મોગાદિશુના સૌથી લોકપ્રિય વિસ્તારોમાંનો એક છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ મોગાદિશુના લિડો બીચમાં પર્લ બીચ હોટેલ પર આતંકવાદી હુમલા માટે જવાબદાર અલ શબાબ આતંકવાદીઓને સફળતાપૂર્વક ઠાર કર્યા છે.