
સીબીઆઈ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બાહનગા બજાર રેલવે સ્ટેશન પર કોઈપણ ટ્રેનના સ્ટોપેજ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
બાલાસોર
બાહનગા ટ્રેન દુર્ઘટનાના ઘા હજુ પણ મટ્યા નથી. બાહનગા સ્ટેશન પર ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, હાલના તબક્કે અહીં કોઈ ટ્રેન ઉભી નહીં રહે. દક્ષિણ-પૂર્વ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી (સીપીઆરઓ) એ શનિવારે કહ્યું કે આગામી આદેશ સુધી બાહનગા બજાર રેલ્વે સ્ટેશન પર કોઈ ટ્રેન રોકશે નહીં. આ નિર્ણય બે એક્સપ્રેસ ટ્રેન અને એક ગુડ્સ ટ્રેનના અકસ્માતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ટ્રેન દુર્ઘટના બાદથી જ સીબીઆઈની ટીમ બાલાસોરમાં ધામા નાખી ચૂકી છે. સીબીઆઈની ટીમને કેટલીક મહત્વની કડીઓ મળે તેવી શક્યતા છે. તપાસ એજન્સી સતત બાહનગા બજાર રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ રહી છે. આવી સ્થિતિમાં સીબીઆઈ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બાહનગા બજાર રેલ્વે સ્ટેશન પર કોઈપણ ટ્રેનના સ્ટોપેજ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સીબીઆઈની ટીમ ટ્રેન અકસ્માતની તપાસ કરી રહી છે. શુક્રવારે સીબીઆઈની બે સભ્યોની ટીમે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી અલગ-અલગ જગ્યાએથી કેટલીક મહત્વપૂર્ણ કડીઓ પણ એકત્ર કરવામાં આવી હતી.
સીબીઆઈની ટીમ શનિવારે બપોરે 1.30 કલાકે અકસ્માત સ્થળે પહોંચી હતી. આ પછી ટીમ ત્યાંથી પેનલ રૂમમાં ગઈ. અહીં પણ અધિકારીઓએ ઘણી તપાસ કરી હતી. જે બાદ રિલે રૂમની પણ તપાસ કરવામાં આવી હતી. બે કલાક બાદ ટીમ પરત ફરી હતી. સીબીઆઈએ સ્ટેશનમાં હાજર વિવિધ કમ્પ્યુટર્સની હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરી છે. આ સિવાય ઘણા મહત્વપૂર્ણ રેકોર્ડેડ દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા હતા.