વિજય હજારે ટ્રોફીમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 84 બોલમાં 190 રન ઝૂડી કાઢ્યા

Spread the love

વૈભવ સૂર્યવંશી પાકિસ્તાન સામે અંડર -19 એશિયા કપની ફાઇનલમાં નિષ્ફળ ગયો હતો અને પાકિસ્તાની ખેલાડીઓ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી

રાંચી 

વિજય હજારે ટ્રોફી 2025-26ની પ્લેટ ગ્રુપ મેચમાં વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરી હતી . રાંચીમાં અરુણાચલ પ્રદેશ સામે, વૈભવ સૂર્યવંશીએ માત્ર 84 બોલમાં 190 રન ફટકાર્યા હતા. સૂર્યવંશીએ આ રવિવારે યુએઈમાં પાકિસ્તાન સામે અંડર -19 એશિયા કપ ફાઇનલમાં થયેલા અપમાનનો બદલો લીધો હોય તેવી રમત રમી હતી. 14 વર્ષના વૈભવે આઉટ થતાં પહેલાં તેની ઇનિંગ્સમાં 16 ચોગ્ગા અને 15 જોરદાર છગ્ગા ફટકાર્યા હતા . નોંધનીય છે કે વૈભવ સૂર્યવંશી અંડર -19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે કોઈ જાદુ કરી શક્યો ન હતો , ફક્ત 26 રન બનાવી શક્યો હતો. પાકિસ્તાને ભારતને 191 રનથી કારમી હાર આપી હતી. આ મેચ દરમિયાન, વૈભવે પાકિસ્તાની બોલરો સાથે ઝઘડો પણ કર્યો હતો , જેનો એક વીડિયો વાયરલ થયો છે.

36 બોલમાં પોતાની સદી પૂરી કરી

બિહારે ટોસ જીતીને અરુણાચલ પ્રદેશ સામે બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વૈભવ સૂર્યવંશીએ પહેલા જ બોલથી આક્રમક  ઇનિંગ શરૂ કરી. તેણે ફક્ત 36 બોલમાં જ પોતાની સદી પૂરી કરી. ત્યારબાદ પણ તેની બેટિંગ બોલરો પર ભારે પડી. અરુણાચલના બોલરોમાં, વૈભવે ટિચી નેરીને ખૂબજ ફટકાર્યો , જેના 16 બોલમાં 45 રન બનાવ્યા , જેમાં પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે . વૈભવે 226 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી . બેવડી સદીથી માત્ર 10 રન દૂર, તે નેરી પર બીજો છગ્ગો મારવાનો પ્રયાસ કરતી વખતે ડોરિયાના હાથે કેચ આઉટ થયો. બિહાર માટે પિયુષ કુમાર સિંહે પણ 66 બોલમાં 77 રન બનાવ્યા , જ્યારે વિકેટકીપર આયુષ લોહારુકા 45 બોલમાં 82 રન કર્યા હતા , જેમાં તેમણે પાંચ છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા હતા.

પાકિસ્તાન સામે તેની નિષ્ફળતા પછી હોબાળો થયો

વૈભવ સૂર્યવંશીએ અંડર -19 એશિયા કપની પહેલી મેચમાં 171 રન બનાવીને શાનદાર શરૂઆત કરી હતી , પરંતુ તે પછી તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. ફાઇનલ મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટે ૩47 રન બનાવ્યા હતા , ત્યારબાદ ટીમ ઇન્ડિયાને વૈભવ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી. પરંતુ વૈભવ માત્ર 26 રન બનાવીને આઉટ થઈ ગયો હતો . આઉટ થયા પછી, તેની પાકિસ્તાની બોલર સાથે બોલચાલ થઈ , જ્યારે વૈભવને બોલરે કંઈક કહ્યું, ત્યારે વૈભવે તેને જૂતાની ટોચ પર પકડવાનો ઈશારો કર્યો. આ કારણે, દુબઈના આઈસીસી ક્રિકેટ એકેડેમી સ્ટેડિયમમાં હાજર પાકિસ્તાની ચાહકોએ વૈભવનો હુરિયો બોલાવ્યો. મેચ પછી પણ, સ્ટેડિયમમાંથી બહાર નીકળતી વખતે વૈભવનો હુરિયો બોલાવાયો હતો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC ને ફરિયાદ કરી

વૈભવ સૂર્યવંશીના જૂતાથી ઈશારો કરવા બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ ગુસ્સે ભરાયું છે. અગાઉ, પાકિસ્તાન અંડર -19 ટીમના મેન્ટર અને ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ચાહકો સમક્ષ આ અંગે કડવાશભરી ટિપ્પણી કરી હતી. ત્યારબાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવીએ પણ ભારતીય ક્રિકેટરોના વર્તનની ટીકા કરી હતી, તેને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ( ICC) ને ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *