સેમસને 114 બોલમાં 108 રનની ઇનિંગ રમી, ભારતે નવમાંતી બીજી વખત શ્રેણીમાં વિજય મેળવ્યો
ડરબન
ભારતે ત્રીજી અને છેલ્લી નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે બીજી વખત દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી જીતી છે. પાર્લમાં રમાયેલી છેલ્લી વન-ડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 78 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી સંજુ સેમસને સદીની ઇનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે શરૂઆતમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર રજત પાટીદાર 22 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, સાઈ સુદર્શન પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. તે માત્ર 10 રન બનાવીને હેન્ડ્રીક્સનો શિકાર બન્યો હતો. કેપ્ટન કેએલ રાહુલે 21 રનનું યોગદાન આપ્યું હતું. ત્રણ વિકેટ ઝડપથી પડી ગયા બાદ સંજુ સેમસને તિલક વર્મા સાથે સદીની ભાગીદારી કરી હતી.
બંને વચ્ચે 136 બોલમાં 116 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન તિલક વર્મા 52 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ સંજુ સેમસને સાવચેતીથી રમતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. સેમસને 114 બોલમાં 108 રનની ઇનિંગ રમી હતી. અંતે રિંકુ સિંહે 27 બોલમાં 38 રનની ઇનિંગ રમી હતી. ભારતે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 296 રન બનાવ્યા હતા. બી હેન્ડ્રીક્સને ત્રણ વિકેટ મળી હતી.
ભારતના 297 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી છે. પ્રથમ વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ હતી. ટોની ડી જ્યોર્જીએ એક છેડે સાવધાનીપૂર્વક રમતા 81 રનની ઇનિંગ રમી હતી. એડન માર્કરામે 36 રનનું યોગદાન આપ્યું હતું. હેનરિક ક્લાસને 21 રન બનાવ્યા હતા. ભારત તરફથી તમામ પાંચ બોલરોને વિકેટ મળી હતી. અર્શદીપ સિંહે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
નોંધનીય છે કે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી 9 વનડે શ્રેણી રમી ચુકી છે. દક્ષિણ આફ્રિકાએ 7 વખત સીરીઝ જીતી છે અને ભારતે 2 વખત સીરીઝ જીતી છે. કોહલીની કપ્તાનીમાં ભારતે 2018માં વનડે શ્રેણી જીતી હતી. હવે કેએલ રાહુલની કપ્તાનીમાં યુવા ખેલાડીઓએ ફરી આ કારનામું કર્યું છે.