ફરિયાદીના લગ્ન જીવનમાં દખલગીરી અથવા સંડોવણીના કોઈ ફિઝિકલ પુરાવા નથી તો આરોપીને ક્રૂરતા માટે દોષી ન ઠેરવી શકાય
નવી દિલ્હી
કર્ણાટકના એક કેસની સુનાવણી કરતા દહેજ ઉત્પીડન અંગે સુપ્રીમ કોર્ટે એક મોટી ટિપ્પણી કરી છે. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે સાસરિયામાં છોકરી સાથે સામાન્ય દુર્વ્યવહારના કેસને દહેજ ઉત્પીડનનું નામ ન આપી શકાય. ખંડપીઠે કહ્યું કે, જો ફરિયાદીના લગ્ન જીવનમાં દખલગીરી અથવા સંડોવણીના કોઈ ફિઝિકલ પુરાવા નથી તો આરોપીને આઈપીસીની કલમ 498એ હેઠળ ક્રૂરતા માટે દોષી ન ઠેરવી શકાય. જસ્ટિસ સંજીવ ખન્નાએ એક તાજેતરના આદેશમાં આ સ્પષ્ટ કર્યું છે.
કોર્ટ કર્ણાટકના એક મહિલાની અપીલ પર સુનાવણી કરી રહી હતી. જેમાં તેમની નવપરિણીત ભાભીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને તેમના પ્રાઈવેટ સામાનને કચરાપેટીમાં ફેંકવાનો આરોપ લગાવ્યો હતો. કલમ 498એ હેઠળ જે કોઈ પણ કોઈ મહિલાનો પતિ અથવા સબંધી આવી મહિલી સાથે ક્રૂરતા કરશે તેને ત્રણ વર્ષની કેદની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.
જોકે, ખંડપીઠને એ જાણવા મળ્યું કે, આરોપી મહિલા પોતાની ભાભી સાથે તે ઘરમાં નથી રહેતી. મહિલા વિદેશમાં રહેતી હતી. અદાલતને જાણવા મળ્યું કે, ભાઈની પત્નીએ મહિલા દ્વારા પોતાના ઉપર કરવામાં આવેલી ક્રૂરતાની કોઈ વિશેષ માહિતી નથી આપી. ખંડપીઠે કહ્યું કે, ભાઈએ 2022માં જ પોતાની પત્નીને ડિવોર્સ આપી દીધા હતા. તેમના વિરુદ્ધ તેમની ભાભીના આરોપ ખૂબ જ અસ્પષ્ટ અને સામાન્ય હતા.
કોર્ટે આદેશ આપ્યો કે,અમે અપીલકર્તાઓ સામે ફોજદારી કાર્યવાહી રદ કરીએ છીએ. જો કે, અમે સ્પષ્ટ કરીએ છીએ કે પુરાવાના રેકોર્ડિંગ દરમિયાન જો કોઈ સામગ્રી રેકોર્ડ પર આવે છે, તો તે ટ્રાયલ કોર્ટ માટે કાયદા મુજબ આગળ વધવા માટે ખુલ્લો રહેશે.
દહેજ પ્રતિબંધ અધિનિયમ 1961 પ્રમાણે દહેજ લેવા અથવા આપવા અથવા તેના લેવડદેવડમાં મદદ કરવા બદલ 5 વર્ષની જેલ અને 15,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. ભારતીય દંડ સંહિતાની કલમ 498-એ હેઠળ જો પતિ અને તેના સંબંધીઓ દ્વારા સંપત્તિ અથવા કિંમતી ચીજવસ્તુઓ માટે ગેરકાયદેસર માંગના મામલે સબંધિત છે તે હેઠળ 3 વર્ષ સુધીની કેદ અને દંડ ફટકારવામાં આવી શકે છે.