28 અને 29 ડિસેમ્બરના રોજ પોલ ટેસ્ટ તમામ ઉમેદવારો માટે રાબેતા મુજબ લેવાની જાહેરાત
વડોદરા
ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની જાહેરાત કંપની સત્તાધીશોએ કરી હતી.
જેની સામે અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.આમ છતા જેટકો સત્તાધીશોએ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી હતી.
જોકે ઉમેદવારોના રોષ સામે સત્તાધીશોને ઝૂકવુ પડયુ છે. જેટકો દ્વારા પોલ ટેસ્ટ તો યથાવત રખાયો છે પણ 7 જાન્યુઆરીએ લેવાનારી લેખિત પરીક્ષા રદ કરવામાં આવી છે.
જેટકોએ પોતાની વેબસાઈટ પર સત્તાવાર રીતે આપેલી જાણકારી પ્રમાણે તા.28 અને 29 ના રોજ પોલ ટેસ્ટ તમામ ઉમેદવારો માટે રાબેતા મુજબ લેવાશે. જે ઉમેદવારોએ અગાઉ તા.9 સપ્ટેમ્બરના રોજ લેખિત પરીક્ષા આપી હતી તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા હવે લેવામાં નહીં આવે.
પરંતુ જે ઉમેદવારો અગાઉના પોલ ટેસ્ટમાં પાસ થયા નહોતા તેવા ઉમેદવારો જો નવેસરથી લેવાઈ રહેલા પોલ ટેસ્ટમાં પાસ થશે તો તેવા જ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોએ પોતાના આંદોલન દરમિયાન પોલ ટેસ્ટ ફરી લેવાય પણ લેખિત પરીક્ષા નવેસરથી ના લેવાય તેવી ફોર્મ્યુલા રજૂ કરી હતી અને સત્તાધીશોએ તેના પર વિચારણા કરવાની ખાતરી આપી હતી.
જોકે 48 કલાક બાદ પણ આ બાબતે કોઈ જાહેરાત નહીં થતા ઉમેદવારોનુ એક જૂથ બે દિવસ પહેલા ફરી વડોદરા સ્થિત જેટકો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યુ હતુ અને જો પરીક્ષા રદ ના થાય તો પરિવાર સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. મોડે મોડે પણ સત્તાધીશોએ આ ફોર્મ્યુલા અનુસાર લેખિત પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે.
દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે, હક અને ન્યાય માટે લડનારા તમામ યોધ્ધાઓને અભિનંદન, ઉમેદવારોની એકતાની આ જીત છે.