કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રામ મંદિરને લઈને ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા
નવી દિલ્હી
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ હવે 2024ની 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને રાજકારણ ગરમાયું છે અને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ આ મુદે એકબીજાને ઘેરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રામ મંદિરને લઈને ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
શશી થરૂરે અયોધ્યમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને તેના થોડાક દિવસ બાદ ફેબ્રુઆરીમાં અબુ ધાબીમાં બાપ્સ હિન્દુ મંદિરના ઉદ્ધાટનને લઈને કહ્યું છે કે આ બંને આયોજન 2024ની ચૂંટણીનો તખ્તો તૈયાર કરશે. તેમણે આગાહી કરતા કહ્યું કે આ પછી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. આ સિવાય થરૂરે કહ્યું કે નરેન્દ્ર મોદી 2024 માટે સંદેશ આપવા માંગે છે કે તેઓ હિન્દુ હ્રદય સમ્રાટ છે પરંતુ તેમણે સવાલો કર્યા હતા કે ‘અચ્છે દિન’નું શું થયું? દર વર્ષે 2 કરોડ નોકરીઓનું શું થયું? આર્થિક વિકાસનું શું થયું, દરેકને 15 લાખ રૂપિયા આપવાનું શું થયું?
એક તરફ વિપક્ષ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેવા અંગે અસમંજસમાં છે ત્યારે બીજી તરફ વડાપ્રધાન મોદી અબૂધાબીમાં બીએPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકારી લીધું છે, જે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં સૌથી મોટું હિન્દુ મંદિર હશે.