ભારત સરકાર ચીનની કંપનીઓ પર સતત નજર રાખી રહી છે અને સરકારે ચીનની ઘણી મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો છે
નવી દિલ્હી
ચીન ભારતને પછાડવા અનેક પ્રકારના હથકંડા અપનાવતું રહે છે ત્યારે હવે એક ચોંકાવનારા ખુલાસામાં ચીનની નવી તરકીબ સામે આવી છે જેમાં તે મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા ભારતના બાળકોને ટાર્ગેટ કરી રહ્યું છે.
ભારત સરકાર ચીનની કંપનીઓ પર સતત નજર રાખી રહી છે અને આ જ કારણ છે કે તાજેતરના વર્ષોમાં સરકારે ચીનની ઘણી મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ હજુ પણ એવી કેટલીક એપ છે જે ભારતમાં ખુબ જ સક્રિય છે જેમાંની એક બેબીબસ એપ્લિકેશન્સ સામેલ છે જેના પર સવાલો ઉભા થયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ એપ ભારતીયોના ડેટા રાખે છે જે પહેલા 8 વર્ષ સુધીના બાળકો માટે ડિજિટલ કન્ટેન્ટ પ્રોવાઈડ કરતી હતી. આ કંપની પાસે 200થી વધુ ગેમિંગ એપ છે.
ઈન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ‘બેબીબસની ગેમિંગ એપ્સ ભારત અને ઈન્ડોનેશિયામાં ખૂબ જ લોકપ્રિય છે. ક્યૂ3 2023માં ગેમિંગ એપ ડાઉનલોડ્સમાં આ એપ્સનો હિસ્સો 60 ટકા છે. બીજી તરફ પ્રાઈવસી રિસર્ચ ફર્મ ઈન્કોગ્નીએ જણાવ્યું હતું કે ટોપ-11માંથી 3 ડેટા હંગ્રી એપ જે બાળકોને ટાર્ગેટ કરે છે તે બેબીબસની જ છે. જો કઈ એપ્સ આ કંપનીની છે તો તેમાં સૌથી ઉપર બેબી પાન્ડા વર્લ્ડ: કિડ્સ ગેમ્સ જે 100 મિલિયનથી વધુ ડાઉનલોડ, બેબીબસ કિડ્સ: વીડિયો એન્ડ ગેમ વર્લ્ડ જે 10 મિલિયનથી પણ વધુ ડાઉનલોડ અને બેબી પાન્ડા ની કિડ્સ પ્લે આવે છે. આ તામા એપ ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.
ઇન્કોગ્નીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ભારતમાં બાળકો માટે ટોપ 10 એપમાં ચાર બેબીબસની એપ છે જેમાં લિટલ પાંડા: પ્રિન્સેસ મેકઅપ ચોથું સ્થાન, લિટલ પાન્ડાની આઈસ્ક્રીમ ગેમ પાંચમું સ્થાન, લિટલ પાન્ડા: સ્વીટ બેકરી સાતમું સ્થાન, બેબી પાન્ડાની સ્કૂલ બસ નવમા સ્થાનનો સમાવેશ થાય છે. આના પર રિસર્ચ કરતા જાણવા મળ્યું કે આ એપ્સ ડિવાઈસ અને અન્ય આઈડી, એપની જાણકારી અને પરફ્રોમન્સ, એપ્લિકેશન ક્રિયાપ્રતિક્રિયા અને ઈનસ્ટોલ કરેલી એપ્સ, નાણાકીય માહિતી, પર્ચેશ હિસ્ટ્રી સુધીની ગુપ્ત જાણકારી એકત્ર કરે છે.