એક ઘાયલની સ્થિતિ ગંભીર, અત્યાર સુધી આરોપી વિશે કોઈ માહિતી મળી શકી નથી
હ્યુસ્ટન
અમેરિકાના હ્યુસ્ટનમાં તબુ ક્લબની બહાર અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. આ ઘટના રવિવારે રાતે બની હતી. રવિવારે રજાનો દિવસ હોવાથી ક્લબમાં ભારે ભીડ હતી. પાર્કિંગ એરિયામાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ત્યારે તકનો લાભ લઈ એક માથાફરેલા અજાણ્યા યુવકે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.
ફાયરિંગની ઘટના બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જાણ થઈ કે આ ઘટનામાં 6 લોકોને ગોળી વાગી હતી. જેમાં એકની હાલત ગંભીર હતી. ઘાયલ યુવકની સર્જરી કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધી આરોપી વિશે કોઈ માહિતી મળી શકી નથી. હ્યુસ્ટન પોલીસના વડા ટ્રોય ફિનરે કહ્યું કે કોઈએ પાર્કિંગમાં ભીડ જોઈને તેના પર ગોળીબાર કરી દીધો હતો. પીડિતોની વય 20થી 30 વર્ષ વચ્ચે જ જણાવાઇ છે.
હ્યુસ્ટન પોલીસે હુમલા બાદ તરત જ પાર્કિંગ લોટ અને તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષા કેમેરા તપાસવાનું શરૂ કર્યું. ઘટના બાદ પોલીસકર્મીઓ ક્લબમાં ગયા અને ક્લબ બંધ થયા બાદ પાર્ટીમાં જનારાઓને ઘરે જવાની સલાહ આપી. લોકોને મોડી રાતે ભીડથી બચવાની સલાહ અપાઈ હતી. તમને જણાવી દઈએ કે અમેરિકામાં ગન કલ્ચરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી અમેરિકામાં અંધાધૂંધ ગોળીબાર થઈ રહ્યો છે, જેમાં ઘણા લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ, 2006 થી અત્યાર સુધીમાં સામૂહિક ગોળીબારમાં 2,793 લોકોના મોત થયા છે. જ્યારે વર્ષ 2022માં 42 સામૂહિક હત્યાના કેસ નોંધાયા હતા.