ઉ. કોરીયાના નેતા કીમ જોંગ ઊનની પુત્રી તેની વારસ બનશે

Spread the love

ઉત્તર કોરિયાનાં મિડીયા જૂ-એને ઊનનાં સૌથી વધુ માન પામતાં, અને સૌથી વહાલાં સંતાન તરીકે જણાવે છે


સીયોલ/પ્યોગ્યાંગ
ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ ઊનની તરૂણાવસ્થામાં રહેલી પુત્રી જુ-એ કીમની વારસ બનશે, તેવી સંભાવના દ.કોરિયાનાં જાસૂસ તંત્રે આપેલી માહિતી પરથી જાણવા મળે છે. દ.કોરિયાનાં જાસૂસી તંત્રના રિપોર્ટસ ટાંકતાં, ન્યૂયોર્ક-ટાઈમ્સે ગુરૂવારે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાનાં મિડીયા જૂ-એને ઊનનાં સૌથી વધુ માન પામતાં, અને સૌથી વહાલાં સંતાન તરીકે જણાવે છે.
દક્ષિણ કોરિયાનાં જાસૂસી તંત્રે આ સાથે સાવચેતીનો સૂર ઊચ્ચારતાં તેમ પણ કહ્યું હતું કે, કદાચ જુ-એ થી પણ નાની પુત્રી પણ ઊનની વારસ બની શકે. પરંતુ વધુ શક્યતા જુ-એની છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ વધુમાં જણાવે છે કે જુ-એ સૌથી પહેલાં નવેમ્બર ૨૦૨૨માં જાહેરમાં કીમ-જોંગ ઊન સાથે જોવા મળી હતી. તે સમયે તે તેના પિતાની સાથે લોંગ-રેન્જ મિસાઈલનું પરીક્ષણ જોવા માટે મંચ ઉપર હતી.
મિડીયા અહેવાલો વધુમાં પિતા-પુત્રીને હાથમાં હાથ રાખી પરસ્પરનાં મુખને પ્રેમથી પંપાળતા પણ જોવા મળ્યાં હતાં.
જોકે કીમ-જોંગ ઊન હજી ૪૦ વર્ષના જ છે. તેથી તત્કાલ તો તેના વારસ વિષે વિચારવાની અનિવાર્યતા પણ નથી. પરંતુ જે રીતે ઉત્તર કોરિયાના વરિષ્ઠ અધિકારીઓ અને સેનાના અધિકારીઓ પણ જુ-એને માન આપતા જોવા મળે છે તે ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જુ-એ કીમ-જોંગ ઊનની વારસ બનવા તૈયાર કરવામાં આવી રહી છે. સાથે મિડીયા એ પણ ઊલ્લેખ કરે છે કે ૨૦૦૮માં કીમ-જોંગ ઊનને સ્ટ્રોક થયો હતો. તે હકીકત હજી સુધી દબાવી રાખવામાં આવી હતી પરંતુ જો તેમજ હોય તો ઊન તેના વારસ તરીકે તેની વહાલી પુત્રીને તૈયાર કરી રહ્યાં હોય તે પણ અસંભવિત તો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *