દેશના સરકારી વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક સાત વર્ષની નીચલી સપાટીએ

Spread the love

એફસીઆઈ અને રાજ્યની એજન્સીઓ પાસે ઘઉંનો કુલ સ્ટોક 163.5 લાખ ટન જ હતો, જે સાત વર્ષમાં સૌથી ઓછો હોવાનો ખુલાસો


નવી દિલ્હી
ભોજનની થાળીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ એટલે કે રોટલી જ હવે વધુ મોંઘી થઈ શકે છે કારણ કે દેશભરના સરકારી વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક સાત વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયો છે. સત્તાવાર માહિતી અનુસાર 1 જાન્યુઆરી, 2024 સુધીમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) અને રાજ્યની એજન્સીઓ પાસે ઘઉંનો કુલ સ્ટોક 163.5 લાખ ટન જ હતો, જે સાત વર્ષમાં સૌથી ઓછો છે. અગાઉ 2017માં દેશભરના વેરહાઉસમાં 137.5 લાખ ટન ઘઉંનો સ્ટોક નોંધાયો હતો.
છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ સ્ટોક 2021માં નોંધાયો હતો. ત્યારે ઘઉંનો કુલ સ્ટોક 342.90 લાખ ટન હતો. 2022માં તે ઘટીને 330.12 લાખ ટન અને 2023માં 171.70 લાખ ટન રહી ગયો હતો. જોકે, વર્તમાન ભંડાર કેલેન્ડર વર્ષની શરૂઆત માટે 138 લાખ ટનના લઘુતમ બફર સ્ટૉક કરતાં વધુ છે. ભવિષ્યમાં કોઈ પણ વસ્તુની અછતને પહોંચી વળવા માટે જે સ્ટૉક કરવામાં આવે છે તેને ‘બફર સ્ટોક’ કહેવાય છે. એટલે કે 30 લાખ ટનનો સ્ટોક ત્રણ મહિનાની 108 લાખ ટનની ઓપરેશનલ જરૂરિયાત અને કોઈપણ ખરીદીની અછતને પહોંચી વળવા માટે રિઝર્વ રખાય છે.
સરકારી વેરહાઉસના ડેટા દર્શાવે છે કે 1 જાન્યુઆરી, 2024ના રોજ ચોખાનો સ્ટોક 516.5 લાખ ટન હતો, જે 76.1 લાખ ટનના સ્ટાન્ડર્ડ ન્યૂનતમ બફર સ્ટૉક કરતાં વધુ છે. જો આપણે ચોખા અને ઘઉંના સ્ટોકને એકસાથે લઈએ તો આ આંકડો 680 લાખ ટન સુધી પહોંચી જાય છે, જે 214.1 લાખ ટનના બફર સ્ટોક કરતાં ત્રણ ગણો વધુ છે.
વર્તમાન સમયમાં ઘઉંનો સ્ટૉક ત્યારે ઘટ્યો છે જ્યારે સપ્ટેમ્બર 2022 થી નવેમ્બર 2023 સુધી સતત 15 મહિના સુધી ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યા બાદ ડિસેમ્બરમાં છૂટક અનાજની કિંમતો વાર્ષિક ધોરણે 9.93 ટકા વધી છે. આ ઘટાડો સતત બે વર્ષ દરમિયાન ઘઉંના ઓછા ઉત્પાદનને કારણે થયો છે, જેના કારણે રાજ્ય સંચાલિત એજન્સીઓએ ખાનગી સંસ્થાઓને વધુ વેચાણ કરવાની ફરજ પડી છે.
ગયા વર્ષે વિશ્વના બીજા સૌથી મોટા ઘઉંના ઉત્પાદક ભારતે ઘઉંની નિકાસ કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે ગરમીને કારણે ઘઉંનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થઈ શક્યું ન હતું અને રશિયા તથા યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક ભાવમાં વધારો થઈ ગયો હતો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *