મને હજુ પણ લાગે છે કે ભારત સીરિઝ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. કારણ કે તે આ હાર પર પ્રતિક્રિયા આપશેઃ વોન
હૈદ્રાબાદ
હૈદરાબાદમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર બાદ પણ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવું છે કે ભારત આ 5 મેચની ટેસ્ટ સીરિઝ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં 28 રનથી હરાવીને ઇંગ્લેન્ડની ટીમે 1-0ની લીડ મેળવી લીધી છે. મેચના પહેલા અઢી દિવસ સુધી મેચ ભારતના નિયંત્રણમાં હતી, પરંતુ પછીના દોઢ દિવસમાં ઈંગ્લેન્ડે એવી રીતે બાજી પલટી કે ભારત સ્તબ્ધ થઈ ગયું. ભારતીય ટીમ પાસે પ્રથમ ઇનિંગ બાદ 190 રનની લીડ હોવા છતાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ભારત પ્રથમ ઇનિંગ બાદ 100થી વધુ રનની લીડ હોવા છતાં ઘરઆંગણે હાર્યું હોય.
માઈકલ વોને તેના એક કોલમમાં લખ્યું, “મને હજુ પણ લાગે છે કે ભારત સીરિઝ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. કારણ કે તે આ હાર પર પ્રતિક્રિયા આપશે. પરંતુ ભારત આ અંગે જાતે અનુમાન લગાવશે કે કેવી પિચ તૈયાર કરવી છે. મને નથી ખબર કે પિચો આનાથી વધારે ટર્ન કઈ રીતે લઇ શકે છે. આ ખરાબ છે. મેં સીરિઝ પહેલા કહ્યું હતું કે મને લાગે છે કે વધુ ટર્નવાળી વિકેટો કરતાં ફ્લેટ વિકેટ તૈયાર કરવી ભારત માટે વધુ સારું રહેશે.”
માઈકલ વોને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝ શરુ થાય તે પહેલા પણ ભારતને ફેવરિટ ગણાવ્યું હતું. જો કે વોને રોહિત શર્મા અને ભારતીય ટીમને ચેતવણી પણ આપી હતી કે ઇંગ્લેન્ડ ભારતીય ટીમને સીરિઝમાં એક અથવા બે ઝટકા આપી શકે છે. હૈદરાબાદ ટેસ્ટ માટે પણ વોને આ જ વાત કહી હતી.