સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક રશિયન પ્રવાસીઓ કથિત રીતે કોચ્ચિ બીચની સફાઈ કરતા દેખાઈ રહ્યા છે
કોચ્ચિ
કેરળના પ્રવાસન વિભાગે ત્યારે ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે કેટલાક વિદેશી પ્રવાસીઓએ કોચ્ચિ બીચ પર જાતે જ કચરો સાફ કરવાનું કામ હાથ ધર્યું હતું. ખરેખર સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક રશિયન પ્રવાસીઓ કથિત રીતે કોચ્ચિ બીચની સફાઈ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ બીચની સ્થિતિને લઈને સવાલો ઉભા થયા છે.
આ અંગે પ્રવાસન વિભાગે પણ અધિકારીઓ પાસેથી બીચની વર્તમાન સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલીક રશિયન મહિલાઓ દરિયામાં તરવા જતા પહેલા બીચ સાફ કરતી અને કચરો કાઢતી જોઈ શકાય છે. આ પ્રવાસીઓએ બેગ પર એક સંદેશ પણ મૂક્યો હતો. જેમાં લખ્યું હતું કે ‘તમારા જીવનને સાફ કરો, કચરો એકત્રિત કરો, તેને બેગમાં મૂકો, પછી તેને બાળી દો અથવા તેને ભૂગર્ભમાં દાટી દો’.
સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ ઘટનાવિશે લખ્યું કે તે કોચ્ચિ બીચ પરની ગંદકીથી કંટાળી ગયો છું. આ શરમજનક છે. રશિયન પ્રવાસીઓએ જાતે બીચ સાફ કરવાનું શરૂ કર્યું. એક સ્થાનિક વ્યક્તિએ તેમને ગારબેજ બેગ ખરીદવામાં મદદ કરી હતી પરંતુ સ્થાનિક કાઉન્સિલરે ભરેલી થેલીઓનો નિકાલ કરવાની પણ ના પાડી દીધી. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે કેરળના સૌથી પ્રતિષ્ઠિત સ્થળો પૈકીના એક કોચ્ચિ બીચને વિદેશી પ્રવાસીઓ સાફ કરે તે ખૂબ જ ખોટું છે.