જુમ્માની નમાઝને લઈને પરિસરની આસપાસ ભારે સુરક્ષા બંદોબસ્ત કરાયો
વારાણસી
જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલા વ્યાસજીના ભોંયરામાં કોર્ટે પૂજા કરવાનો અધિકાર આપી દીધાં બાદથી વારાણસીમાં તંગદિલીપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે. આ શહેર હાલમાં છાવણીમાં ફેરવાઈ ગયું છે. જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસના કારણે છેલ્લા બે દિવસથી અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. આજે શુક્રવારે જુમ્માની નમાઝ હોવાથી ભીડ એકઠી થવાના સંકેતો વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરની આજુબાજુ સુરક્ષાકર્મીઓનો ખડકલો સર્જી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં આવેલા વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપ્યા બાદથી પોલીસ એલર્ટ પર છે. ગુરુવારે વ્યાસજીના ભોંયરામાં પૂજા પણ કરવામાં આવી હતી. જેના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આજે પણ અહીં પોલીસબળ તૈનાત કરાયું છે.
બીજી બાજુ જ્ઞાનવાપી મસ્જિદની અંજુમન ઈન્તેજામિયા કમિટી દ્વારા વ્યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી આપતા જિલ્લા જજના આદેશ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને તેના પગલે આજે મુસ્લિમોને બંધ પાળવાનું આહ્વાન કરાયું હતું. આ સાથે લોકોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી હતી. અંજુમન ઈન્તેજામિયા કમિટીના જનરલ સેક્રેટરી અબ્દુલ બાતિન નોમાનીએ એક પત્ર જારી કર્યો હતો. જેમાં જણાવ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં વ્યાસજીના ભોંયરામાં પૂજાની મંજૂરી આપવાને લઈને મુસ્લિમોમાં નારાજગી છે. આ નિર્ણયના વિરોધમાં મુસ્લિમો શુક્રવારે શાંતિપૂર્ણ રીતે તેમના ધંધા-રોજગાર બંધ રાખશે.