કેટલાક કિસ્સામાં તો કેનેડામાં સેટલ થવાના બદલે લોકો રિવર્સ માઈગ્રેશન કરી રહ્યા છે
નવી દિલ્હી
ભણવા અને કામ કરવા માટે ભારતીયો વિદેશ જવાનો વિચાર કરે ત્યારે સૌથી પહેલી પસંદગી અમેરિકા હોય છે. ત્યાર પછી યુકે અને કેનેડા જેવા દેશોનો વારો આવે છે. કેનેડાએ લાખો ભારતીયોમાં પાછલા કેટલાક વર્ષોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. પરંતુ હવે ભારતીયોને ત્યાંની કડવી વાસ્તવિકતા સમજાઈ રહી છે. કેનેડા ગયા પછી અને દિવસ-રાત ભારે ઢસરડો કર્યા પછી પણ લાઈફ આસાન બની જશે તેની કોઈ ગેરંટી નથી. તેના કારણે કેનેડાના પીઆર ધરાવતા લોકો પણ કેનેડિયન સિટિઝનશિપ માટે અરજી કરવાનું ટાળે છે. તાજેતરનો ટ્રેન્ડ દર્શાવે છે કે કેનેડિયન સિટિઝનશિપ માટેની અરજીઓમાં ઘટાડો થયો છે. કેટલાક કિસ્સામાં તો કેનેડામાં સેટલ થવાના બદલે લોકો રિવર્સ માઈગ્રેશન કરી રહ્યા છે.
ઉદાહરણ તરીકે પંજાબના લગભગ દરેક શહેરના રોડ પર વિઝા કન્સલ્ટન્ટની જાહેરખબરો જોવા મળે છે. તેઓ ગમે તે વ્યક્તિને કેનેડા, યુકે, અમેરિકા, ન્યૂઝિલેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પહોંચાડી દેવાનું વચન આપે છે. કેટલાક કિસ્સામાં તો બારમી ફેલ યુવાનોને પણ વિદેશમાં જોબ અપાવી દેવાના સપના દેખાડાય છે. આ રીતે હજારો યુવાનો છેતરાઈ ગયા છે, પરંતુ હવે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવી રહી છે. ઘણા યુવાનોને લાગે છે કે કેનેડા કરતા ભારતમાં તેમનું જીવન વધારે સુખી હતું.
વિદેશી મીડિયાએ પણ આ બાબતની નોંધ લીધી છે અને હવે સૌ સ્વીકારે છે કે કેનેડાના પીઆર ધરાવતા લોકો દ્વારા સિટિઝનશિપની અરજીઓ ઘટી છે તથા કેટલાક લોકો કેનેડા છોડીને પોતાના દેશ જઈ રહ્યા છે, જેને રિવર્સ માઈગ્રેશન કહેવાય છે.